છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે; તેમનું નિરાકરણ, સત્તાને ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું. વળી જીવ કેવો છે? ચૈતન્યસ્વરૂપપણાથી નિત્યઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શન-જ્ઞાન-જ્યોતિસ્વરૂપ છે (કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે). આ વિશેષણથી, ચૈતન્યને જ્ઞાનાકારસ્વરૂપ નહિ માનનાર સાંખ્યમતીઓનું નિરાકરણ થયું. વળી તે કેવો છે? અનંત ધર્મોમાં રહેલું જે એકધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે (કારણ કે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે). આ વિશેષણથી, વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો. વળી તે કેવો છે? ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અને ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે. (પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે.) આ વિશેષણથી, પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો. વળી તે કેવો છે? પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે (અર્થાત્ જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે). આ વિશેષણથી, જ્ઞાન પોતાને જ જાણે છે પરને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો, વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો- અવગાહન-ગતિ-સ્થિતિ-વર્તનાહેતુપણું અને રૂપીપણું-તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્ભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલ-એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે. આ વિશેષણથી, એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવરૂપ છે. આ વિશેષણથી વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો. -આવો જીવ નામનો પદાર્થ સમય છે.
જ્યારે આ (જીવ), સર્વ પદાર્થોમાં સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ (અસ્તિત્વરૂપ) આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શનજ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ્ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘સ્વસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે; પણ જ્યારે તે, અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે (પુષ્ટ થયેલો) મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી છૂટી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે (એકપણું માનીને) વર્તે છે ત્યારે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ્ પરને એકત્વપૂર્વક જાણતો તથા