પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે ‘પરસમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય- એવું દ્વિવિધપણું પ્રગટ થાય છે.
ભાવાર્થઃ– જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. ‘જીવ’ એવો અક્ષરોનો સમૂહ તે ‘પદ’ છે અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એ જીવપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે, દર્શનજ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે, અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે, ગુણપર્યાયવાળો છે, તેનું સ્વપરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ એક છે, વળી તે (જીવપદાર્થ) આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે અને પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે.
પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી, એટલે કે સમયનો સાર કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? તેથી હવે પહેલાં સમયને જ કહે છે. દરેક પદાર્થનું સ્વરૂપ જ સમય છે, અર્થાત્ દરેક પદાર્થ પોતાના ગુણ-પર્યાયોને પ્રાપ્ત થઈ પરિણમન કરે છે તેથી તેને ‘સમય’ કહેવામાં આવે છે. ‘સમય’ શબ્દનો બીજો અર્થઃ એકી સાથે જાણવું અને પરિણમન કરવું એવી બે ક્રિયાઓ જેમાં હોય તેને સમય કહે છે. આ રીતે બધા આત્માઓ સમય છે. આ બીજી ગાથામાં જે શુદ્ધ આત્માને જાણે અને એ રૂપે પરિણમે તેને સ્વસમય જાણવો એમ વિશેષપણે કહે છે.
પ્રવચન નંબર ૬–૮, તારીખ ૪–૧૨–૭પ થી ૬–૧૨–૭પ
છેલ્લો શબ્દ ‘જાણ’ છે ને? આચાર્ય કહે છે કે ‘જાણ’ આજ્ઞાવાચક શબ્દ છે. એટલે આચાર્ય ભગવાન આજ્ઞા કરે છે કે હે ભવ્ય! જે જીવ દર્શન -જ્ઞાન-ચારિત્રમાં સ્થિત છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ. ભાષા તો જુઓ! ખરેખર તો દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ પર્યાયો આત્મામાં સ્થિર-એકાગ્ર થાય છે એને ઠેકાણે અહીં તો દર્શન- જ્ઞાન-ચારિત્રમાં જે આત્મા સ્થિત છે તેને સ્વસમય જાણ એમ કહ્યું. એટલે કે આત્મા અનાદિથી જે રાગમાં અને નિમિત્તમાં સ્થિત હતો તે જ આત્મા અંદર દ્રવ્યના લક્ષે એના જેવી જે (જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ) પર્યાય પ્રગટ થઇ એમાં સ્થિત થયો તેને સ્વસમય જાણ એમ કહ્યું. રાગમાં નહીં, પણ ધ્યેયના લક્ષે જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર પ્રગટ થયાં એમાં રહે તે સ્વસમય છે. છહઢાળામાં આવે છે ને? કે- ‘પર દ્રવ્યનતૈ ભિન્ન આપમેં રુચિ સમ્યક્ત્વ ભલા હૈ’ આત્મરુચિ