કહી છે ને? એ રુચિમાં આત્મા જણાયો એટલે આત્મા રુચિ અને જ્ઞાનમાં સ્થિત થયો એવી શૈલીથી વાત કરી છે.
જીવ એટલે ભગવાન આત્મા જે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે એને સ્વસમય કહેવામાં આવે છે. આચાર્ય ભગવાન પોતે મુનિ છે ને? એટલે ‘ચારિત્ર-દર્શન-જ્ઞાનસ્થિત’ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્રિકાળી જે છે તે સમ્યક્ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની પર્યાયમાં ખ્યાલમાં આવ્યો એટલે એમાં એ સ્થિત છે એમ કહી એવા જીવને સ્વસમય કહ્યો. એનો અર્થ કે જે અનાદિથી રાગમાં સ્થિત હતો તે આત્મામાં સ્થિત થયો.
અહો! સમયસારની એક કડી તેના ભાવ સહિત યથાર્થ સમજે તો કલ્યાણ થાય એવું છે.
‘જીવ’ શબ્દ કેમ વાપર્યો? કેટલાક કહે છે કે આત્મા તો તદ્ન શુદ્ધ છે અને જીવ અશુદ્ધ છે, પણ એમ નથી એવું સિદ્ધ કરવા જીવ શબ્દ વાપર્યો છે. જીવ કહો કે આત્મા, બન્ને એક જ ચીજ છે.
અહીં બીજી ગાથામાં ‘जीवो चरित्तदंसणणाणठिदो’ ત્યાંથી ઉપાડયું છે, અને છેલ્લે જ્યાં ૪૭ શક્તિઓનું વર્ણન છે ત્યાં જીવત્વ શક્તિથી શરૂઆત કરી છે. આત્મામાં એક જીવત્વ શક્તિ છે જેને લઈને આત્મા જ્ઞાન, દર્શન, આનંદ અને સત્તા એવા ભાવ-પ્રાણને ધારણ કરે છે-એનાથી ટકે છે. જીવ કહેતાં જીવતું દ્રવ્ય જીવત્વ સ્વભાવથી જીવે છે. અહીં એમ કહે છે કે-હે ભવ્ય! જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે, એટલે જે (જીવ) જ્ઞાનમાં જણાય છે, શ્રદ્ધામાં નિર્ણીત થાય છે, સ્થિરતામાં આવે છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ. કુંદકુંદાચાર્ય પોકારીને કહે છે કે હે ભાઈ! જે આત્મા પોતાની શ્રદ્ધામાં શ્રદ્ધાયો, જ્ઞાનમાં જણાયો અને ચારિત્રમાં ઠર્યો એને તું સ્વસમય જાણ. જીવને ધ્યેય (દ્રષ્ટિમાં લેવા યોગ્ય) તો દ્રવ્ય છે એ વાત અહીં નથી. અહીં તો જે આત્મા પોતાના સ્વરૂપે પરિણમે છે એને સ્વસમય કહ્યો છે. જે આત્મા પોતાની શુદ્ધ પરિણતિમાં આવે છે એને સ્વસમય કહ્યો છે. આત્મા જે વિકારરૂપે હતો તે જ્યારે શુદ્ધ પરિણતિએ પરિણમે ત્યારે તે સ્વસમય છે, ત્યારે આત્મા આત્મારૂપે થયો એમ કહેવાય. અલબત, આવા આત્માને ધ્યેય તો ત્રિકાળી દ્રવ્ય જ છે. નિયમસારમાં આવે છે કે-સર્વકર્મના ક્ષયનો હેતુ એવો જે મોક્ષમાર્ગ-સમ્યક્દર્શન- જ્ઞાન-ચારિત્ર-જેને અહીં સ્વસમય પરિણતિ કહી એનો હેતુ ત્રિકાળ પરમાત્મા છે.
‘અને જે જીવ પુદ્ગલકર્મના પ્રદેશમાં સ્થિત થયેલ છે તેને પર સમય જાણ.’ જે જીવ રાગમાં સ્થિત છે એ પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત છે, તે ભગવાન આત્માના શ્રદ્ધા-