જ્ઞાન-ચારિત્રમાં સ્થિત નથી. રાગ-દ્વેષ આદિ વિકારના જેટલા અંશો છે એ બધા પુદ્ગલકર્મના પ્રદેશો છે, આત્માનો ભાવ નથી. તેથી એને પરસમય-અનાત્મા જાણ.
‘સમય’ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. ‘सम्’-ઉપસર્ગ છે તેનો અર્થ ‘એકસાથે’ એવો છે; અને ‘अय’ ગમનાર્થક ધાતુ છે એનો ગમન અર્થ છે અને જ્ઞાન અર્થ પણ છે. તેથી એકસાથે જાણવું અને પરિણમવું એવી બે ક્રિયાઓ જેમાં હોય તે સમય કહેવામાં આવે છે. આ જીવ નામનો પદાર્થ એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. જીવ જે સમ્યક્દર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધ આત્મા તે વાત અહીં નથી. અહી તો જીવની સત્તા-હોવાપણું સિદ્ધ કરે છે.
આ જીવ પદાર્થ કેવો છે? ‘સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે.’ અહીં અનુભૂતિનો અર્થ અનુભવ એમ નથી. અનુભૂતિનો અર્થ રહેવું એમ થાય છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે રહેવું એવો અનુભૂતિનો અર્થ છે. અનુભૂતિ એટલે સમ્યગ્જ્ઞાન એ વાત અહીં નથી. જડ પણ ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે રહે છે તેને જડની અનુભૂતિ કહે છે. જડ પણ એક સમયમાં ટકીને પરિણમે છે તેથી તે સત્ છે, સત્તા સહિત છે. પણ એક સમયમાં પરિણમે અને જાણે એવી વિશેષતા જડમાં નથી. અહીં તો જીવની સત્તાનું વર્ણન છે.
‘उत्पादव्ययध्रौव्य युक्तं सत्’ સૂત્ર છે ને. (તત્ત્વાર્થસૂત્ર) આત્મા પણ ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્ય યુક્તં સત્, એવી સત્તાથી સહિત છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણેયના એક સમયમાં હોવાપણારૂપ સત્તા છે. સમ્યક્દર્શનનો વિષય શું છે તે વાત પછી કરશે. અહીં તો જીવની હયાતી કેવી રીતે છે તેની સિદ્ધિ કરી છે. ઉત્પાદ એટલે નવી પર્યાયનું થવું, વ્યય એટલે જૂની પર્યાયનું જવું અને ધ્રુવપણે કાયમ રહેવું એવી સત્તાની અહીં વાત છે. જીવ જે સમયે જાણે તે જ સમયે પરિણમે એવી ઉત્પાદ-વ્યય- ધ્રુવરૂપ સત્તા એ જીવનું સ્વરૂપ છે.
આ વિશેષણથી જીવની સત્તા નહીં માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો. તથા પુરુષને અપરિણામી માનનાર સાંખ્યોનો વ્યવચ્છેદ થયો. જીવ પરિણમતો નથી, કૂટસ્થ છે એમ માનનારનો પરિણમનસ્વભાવ કહેવાથી નિષેધ થયો. દ્રવ્યસ્વભાવ, ધ્રુવ અપરિણામી જે સમ્યક્દર્શનનો વિષય છે તે વાત અહીં નથી. અહીં તો પરિણામ સહિતનું આખું દ્રવ્ય સિદ્ધ કરવું છે.