નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે. બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે. એ બધાનું અહીં નિરાકરણ થયું. ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ સત્તા કહેવાથી ઉત્પાદ- વ્યયરૂપ પરિણમન ન માને એનો નિષેધ થયો અને એકલું ક્ષણિક જ માને એનો ‘ધ્રુવ’ કહેવાથી નિષેધ થયો. ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ સત્તાની અહીં સિદ્ધિ કરી છે. કઈ અપેક્ષાથી કહેવાય છે તે ધ્યાનમાં રાખે તો આ સમજાય એવું છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ સત્તાનું હોવાપણું તેને અહીં અનુભૂતિ કહેવામાં આવી છે.
વળી જીવ કેવો છે? ‘ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય-ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનજ્ઞાન-જ્યોતિસ્વરૂપ છે.’ અહીં પણ પરિણમનની વાત છે, ત્રિકાળી ધ્રુવની વાત નથી. અહીં ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે એમ કહ્યું છે. જડનું પરિણમન જડપણે છે અને ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનપણે છે એમ સિદ્ધ કર્યું છે. આ દર્શન એટલે સામાન્ય ઉપયોગ અને જ્ઞાન એટલે વિશેષ ઉપયોગની વાત છે. દર્શન એટલે સમ્યક્દર્શન નહીં, ચૈતન્યસ્વરૂપપણાથી પોતે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે તે નિત્યઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનજ્ઞાન જ્યોતિમય પરિણમન સ્વરૂપ છે. ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે. આ વિશેષણથી ચૈતન્યને જ્ઞાનાકાર-જ્ઞાનસ્વરૂપ નહીં માનનાર સાંખ્યમતનું નિરાકરણ થયું.
વળી તે કેવો છે? ‘અનંત ધર્મોમાં રહેલું જે એકધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે. અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે. અહીં તો બધા ધર્મોની વાત છે, એકલો ધ્રુવ એમ નહીં, પણ ઉત્પાદ, વ્યય, ધ્રુવ આદિ અનંત ધર્મોથી તેને એકધર્મીપણું પ્રગટ છે. સમ્યક્દર્શનનો વિષય જે ધ્રુવ દ્રવ્ય તેની અહીં વાત નથી. આ તો દ્રવ્યના અનંત ધર્મોમાં રહેલું જે એકપણું તેને લીધે દ્રવ્યપણું જેને પ્રગટ છે એ દ્રવ્યની વાત છે. આ વિશેષણથી વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતનો નિષેધ થયો.
અહા! ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે આખો સમય છે’ તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. સમ્યક્દર્શનનો વિષય જે દ્રવ્ય તે જુદી વસ્તુ છે. અહીં તો હજુ આખી વસ્તુ સિદ્ધ કરે છે.
વળી તે કેવો છે? ‘ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે.’ ક્રમે પ્રવર્તે તે પર્યાય અને અક્રમે પ્રવર્તે તે ગુણ છે. અહીં તો વસ્તુને સિદ્ધ કરવી છે. આખી ચીજ ગુણો અને પર્યાયો સહિત છે. ગુણો તે અક્રમવર્તી છે, એટલે સહવર્તી છે; પર્યાયો ઉત્પાદ-વ્યયરૂપ ક્રમવર્તી છે; આવો જ સ્વભાવ છે. સમ્યક્દર્શનનો વિષય જે દ્રવ્ય એની આ વાત નથી. આ તો જીવ દ્રવ્ય આખી ચીજ છે તે ગુણપર્યાયો સહિત છે એમ નક્કી કરે છે. તેમાંથી સમ્યક્દર્શનનો વિષય જે ધ્રુવસામાન્ય તે પછી સિદ્ધ કરશે. આ વિશેષણથી પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતનો નિરાસ થયો.