વળી તે કેવો છે? ‘પોતાના અને પર દ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને ઝળકાવનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે. અહા...! પોતાનું જ્ઞાન કરે અને પરદ્રવ્યના આકારનું એટલે પરના સ્વરૂપનું જ્ઞાન કરે એવું સ્વ-પરને પ્રકાશવાનું એનું સામર્થ્ય છે. ત્રણકાળ ત્રણલોકને જાણવાનું સામર્થ્ય એક સમયની પર્યાયનું છે, છતાં એકરૂપપણે રહે છે; ખંડ ખંડ નથી થતું એમ કહે છે.
અહા! આચાર્યોએ કેટલી કરુણા કરીને સ્પષ્ટ કર્યું છે. સાધારણ જીવોને ખ્યાલમાં આવે એવી શૈલીથી સ્પષ્ટ કર્યું છે. ઉત્પાદ-વ્યયરૂપ બધી પર્યાયો ક્રમસર થાય છે. અહીં તો વસ્તુને સિદ્ધ કરે છે એટલે બધી પર્યાયોની વાત છે. સમ્યક્દર્શન કઈ રીતે થાય એ વાત અત્યારે નથી. અહીં તો વસ્તુની સિદ્ધિ કરે છે કે સર્વજ્ઞ- પરમાત્માએ જોયેલું તત્ત્વ આવું છે. એ સિવાય અન્યમતીઓ ગમે તે પ્રકારે કહે તેનો અહીં નિષેધ કરે છે. અન્યમતવાળા કહે એવું વસ્તુસ્વરૂપ છે જ નહીં. પોતાના અને પરદ્રવ્યોના આકાર-સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી સમસ્ત રૂપને પ્રકાશનારું એકપણું જેણે પ્રાપ્ત કર્યું છે એવો જીવ પદાર્થ તે સમય છે. ત્રણકાળ, ત્રણલોકને જ્ઞાનની પર્યાય જાણે છતાં જ્ઞાન એક આકારરૂપ છે એમ કહે છે. આ વિશેષણથી જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો વ્યવચ્છેદ થયો.
વળી તે કેવો છે? અન્ય દ્રવ્યોના જે વિશેષ ગુણો-ખાસ ગુણો, જેમકે આકાશનો અવગાહન હેતુત્વ, ધર્માસ્તિકાયનો ગતિહેતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિતિહેતુત્વ, કાળનો વર્તનાહેતુત્વ અને પુદ્ગલનો રૂપીપણું-તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્ભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલ એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે. અન્ય દ્રવ્યના જે ખાસ ગુણો એનો આત્મામાં અભાવ હોવાને લીધે અને અસાધારણ ચૈતન્યસ્વભાવના સદ્ભાવને લીધે આકાશ આદિ પાંચ દ્રવ્યોથી જીવ ભિન્ન છે. આ વિશેષણથી એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો.
વળી તે કેવો છે? અનંત અન્ય દ્રવ્યોના ક્ષેત્રથી ભિન્ન છે. ‘અનંત અન્ય દ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવરૂપ છે.’ જ્યાં આત્મા છે ત્યાં અનંત પરમાણુ, આકાશ, કાળ, ધર્મ, અધર્મ બધું છે. આવો અત્યંત એકક્ષેત્રાવગાહ હોવા છતાં જીવ પોતાના સ્વરૂપથી છૂટતો નથી, ચૈતન્યસ્વરૂપ જ પોતે રહે છે. ગુણ અને પર્યાયપણે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવ જ રહે છે. આ વિશેષણથી વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો. જીવ અન્ય દ્રવ્યો સાથે એક જ ક્ષેત્રમાં