Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 524 of 4199

 

] [ પ્રવચન રત્નાકર ભાગ-૩

હવે કહે છે-કેવું છે તે જ્ઞાન? ‘पार्षदान् जीव–अजीव–विवेक–पुष्कल–द्रशा प्रत्याययत्’ જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્જ્વળ નિર્દોષ દ્રષ્ટિ વડે ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. ભગવાન આત્મા ત્રિકાળ એકરૂપ અખંડ જ્ઞાન અને આનંદનું નિધાન છે. એ ચૈતન્યસ્વભાવની જે દ્રષ્ટિ પ્રગટ થઈ અર્થાત્ નિજ નિધાનને જોનારી જે દ્રષ્ટિ થઈ તે અતિ ઉજ્જ્વળ અને નિર્મળ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ જીવ-અજીવને ભિન્ન ભિન્ન કરી દેખે છે. આવી નિર્મળ દ્રષ્ટિ વડે પ્રાપ્ત થયેલું જ્ઞાન ગણધરાદિ સંત-મહંતોને જીવ અને અજીવ ભિન્ન દ્રવ્યો છે એવી યથાર્થ પ્રતીતિ ઉપજાવી રહ્યું છે. અચેતન શરીર અને રાગાદિથી ચૈતન્યધામ પ્રભુ આત્મા ભિન્ન છે એમ તે જ્ઞાન સુસ્પષ્ટ બતાવી રહ્યું છે.

વળી, ‘आसंसार–निबद्ध–बन्धन–विधि–ध्वंसात् विशुद्धं स्फुटत्’ અનાદિ સંસારથી

જેમનું બંધન દ્રઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી જે વિશુદ્ધ થયું છે, સ્ફુટ થયું છે-જેમ ફૂલની કળી ખીલે તેમ જે વિકાસરૂપ છે. આવું આઠેય કર્મથી અને આઠે કર્મના નિમિત્તથી થતા ભાવોથી રહિત, ભગવાન આત્માના શુદ્ધ ચૈતન્ય-સ્વભાવને પ્રગટ કરતું, આનંદ સહિત જ્ઞાન પ્રગટ થાય છે.

સંસારદશા વખતે પણ આઠ કર્મ અને તેમના નિમિત્તથી થતા ભાવથી ભગવાન આત્મા ભિન્ન જ છે. સિદ્ધદશા વખતે આઠ કર્મથી રહિત થાય છે એ તો પર્યાય અપેક્ષાથી વાત છે. પણ જીવદ્રવ્યના સ્વભાવમાં તો આઠેય અજીવ કર્મોનો ત્રિકાળ અભાવ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મથી ભગવાન આત્મા નિશ્ચયથી ભિન્ન જ છે. એવા (ભિન્ન) આત્માનું ભાન કરીને કર્મોને નાશ કરતું જ્ઞાન પ્રગટ થાય છે. જ્યાં પોતે સ્વભાવસન્મુખ થાય છે ત્યાં વિકાર અને કર્મ બન્ને છૂટા પડી જાય છે. એને કર્મનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે.

જેમ ફૂલની કળી અનેક પાંખડીથી વિકસિત થઈ ખીલી નીકળે તેમ જ્ઞાન પ્રગટ થતાં ભગવાન આત્મા અનંત ગુણોની પાંખડીથી પર્યાયમાં ખીલી નીકળે છે. સમ્યગ્દર્શન થતાં પણ અનંત ગુણોનો વિકાસ પર્યાયમાં થઈ જાય છે. કહ્યું છે ને કે-‘સર્વગુણાંશ તે સમક્તિ.’ જ્ઞાન અને આનંદ આદિ અનંતગુણો જે શક્તિરૂપે વિદ્યમાન હતા તે પર્યાયમાં પ્રગટ થાય છે.

વળી તે જ્ઞાન કેવું છે’ ‘आत्म–आरामम्’ જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત જ્ઞેયોના આકાર આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. જુઓ, અનંત જ્ઞેયોને જાણનારું જ્ઞાન પોતાના સામર્થ્યથી જ થાય છે, જ્ઞેયોથી નહિ. તે જ્ઞાન કાંઈ જ્ઞેયોમાં જતું નથી. પોતાના ભાવમાં અને પોતાના ક્ષેત્રમાં જ એ રમે છે, આરામ પામે છે. અનંત જ્ઞેયોને જાણવા છતાં પોતે પોતાના જ્ઞાનમાં જ રમે છે. અહાહા!