૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ ખબર ન હોય તેથી કાંઈ તે આત્મ-ઘાતના નુકશાનથી બચી ન જાય. એને એનું નુકશાન ભોગવવું જ પડે.
જુઓ, દરેક ઠેકાણે એમ લખ્યું છે કે-જીવ તો ચૈતન્યસ્વભાવી જ છે. આહાહા! ચૈતન્યસ્વભાવભાવ, અખંડ, એકરૂપ ધ્રુવસ્વભાવ, એવો ને એવો રહેનારો જે ત્રિકાળી જ્ઞાયકભાવ છે તે જીવ છે. એવો જીવ જે રાગથી-કર્મથી ભિન્ન છે તેને સમ્યક્દ્રષ્ટિઓ પ્રત્યક્ષ અનુભવે છે. આવો અનુભવ જ્ઞાન અને આનંદના વેદન સહિત હોય છે. પ્રત્યક્ષ અનુભવે છે એમ કીધું છે ને? એટલે રાગ અને મનના સંબંધથી જાણે અને અનુભવે છે એમ નથી. પ્રત્યક્ષ અનુભવમાં પરનો આશ્રય છે જ નહિ. પરના આશ્રય રહિત એવા મતિશ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં-વેદનમાં આવે છે. આ બીજો બોલ થયો.
ત્રીજો બોલઃ-તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત રાગરસથી ભરેલાં અધ્યવસાનોની સંતતિ પણ જીવ નથી કારણ કે તે સંતતિથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. જુઓ, ભગવાને આમ કહ્યું છે, યુક્તિથી પણ એમ જ સિદ્ધ છે અને તીવ્ર-મંદ રાગની પરંપરા-સંતતિથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવમય જીવ ભેદજ્ઞાનીઓ પ્રત્યક્ષ અનુભવે છે.
અજ્ઞાનીને અનાદિથી તીવ્ર-મંદ રાગની સંતતિનો જ અનુભવ છે. તેમાં જે મંદ રાગ છે તેથી પોતાને કંઈક લાભ છે એમ તે માને છે. પણ ભાઈ! એનાથી જરાય લાભ નથી. મંદ રાગ તો અભવીને પણ થાય છે. મિથ્યાત્વની મંદતા અને અનંતાનુબંધી કષાયની મંદતા તો અભવી જીવને પણ હોય છે. પણ મંદ રાગ એ કાંઈ વસ્તુ (આત્મા) નથી. રાગ મંદ હો કે તીવ્ર, જાત તો કષાયની જ છે. એ જીવ નથી. જીવ તો તીવ્ર-મંદ રાગની સંતતિથી ભિન્ન નિત્ય એકરૂપ ચૈતન્યસ્વભાવમય છે. અને ભેદજ્ઞાનીઓ એટલે રાગ અને આત્માની ભિન્નતાને યથાર્થપણે જાણનારા ધર્માત્મા જીવો આત્માને એવો જ અનુભવે છે. આ ત્રીજો બોલ થયો.
આઠમાંથી ત્રણ બોલ ચાલ્યા છે. હવે ચોથો બોલઃ-નવી-પુરાણી અવસ્થાદિકના ભેદથી પ્રવર્તતું જે નોકર્મ તે પણ જીવ નથી કારણ કે શરીરથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે.
નવી-પુરાણી અવસ્થા, રોગ-નીરોગની અવસ્થા, બાળ-યુવાન-વૃદ્ધની અવસ્થા, પુષ્ટ- જીર્ણરૂપ અવસ્થા ઇત્યાદિ અવસ્થાના ભેદથી નોકર્મ એટલે શરીર પ્રવર્તે છે. અહા! ભાષા તો જુઓ! બાળ-યુવાન-વૃદ્ધપણે કે પુષ્ટ-જીર્ણપણે કે રોગ-અરોગપણે આ શરીર જે પુદ્ગલોનો સ્કંધ-પિંડ છે તે પરિણમે છે, જીવ નહિ. શરીરની અવસ્થાનો સ્વતંત્ર જન્મક્ષણ છે, જે-તે અવસ્થારૂપે શરીર સ્વયં પરિણમે છે. આ અનેક અવસ્થાના ભેદથી