સમયસાર ગાથા-૪૪ ] [ ૨૭ પ્રવર્તતું જે શરીર તે જીવ નથી. કારણ કે શરીરથી અન્ય જુદો ચિદાનંદસ્વભાવી જીવ ભેદજ્ઞાનીઓ વડે પ્રત્યક્ષ અનુભવાય છે. શરીરને પ્રવર્તાવવું એ જીવનો સ્વભાવ નથી.
પ્રશ્નઃ– ઈર્યા સમિતિમાં જોઈને ચાલવું એમ કહ્યું છે ને?
ઉત્તરઃ– ઈર્યા સમિતિમાં જીવ શરીરને ચાલવારૂપ પ્રવર્તાવે છે એમ નથી. પણ એ તો જે-તે ભૂમિકામાં શરીર જેમ ચાલે છે તેનું કથન કર્યું છે. અહો! શરીરથી જેમને ભેદદ્રષ્ટિ થઈ છે એવા સમકિતી જીવો શરીરથી ભિન્ન એવા ચૈતન્યસ્વભાવમય શુદ્ધ આત્માને પ્રત્યક્ષ અનુભવે છે.
ભાઈ! નિવૃત્તિ લઈને આનો અભ્યાસ કરવો જોઈએ. શ્રીમદે કહ્યું છે કે દેહની ચિંતા કરતાં અનંતગણી ચિંતા આત્માની રાખજે કેમકે આ એક ભવમાં જ અનંત ભવ ટાળવા છે. આ ભવ અનંત ભવને ટાળવા માટે છે. અનંત ભવને એક ભવમાં ટાળવા એ કોઈ અલૌકિક અસાધારણ કામ છે, પ્રભુ! જો એ કામ ન કર્યું તો માથે અનંત ભવો પડયા છે. વંટોળિયાનું તણખલું કયાં જઈને પડે એનો કાંઈ મેળ નથી. તેમ મિથ્યાદ્રષ્ટિ જીવ દેહ છોડીને કયાં જશે એનો કાંઈ મેળ નથી. અરે! કયાંય નરક, નિગોદ, તિર્યંચમાં ચાલ્યો જશે! તથા જેની ત્રસની સ્થિતિ પૂરી થવા આવી હોય એણે જો આ કાર્ય (સમ્યગ્દર્શનાદિ) ન કર્યું તો તે પણ નિગોદમાં ચાલ્યો જશે. ત્રસ અવસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર સાગરથી કાંઈક અધિક છે. શું કહ્યું? આ ઇયળ, કીડી, ભમરો, ઢોર, નારકી, મનુષ્ય, દેવ વગેરેમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર સાગર જેટલી છે. એ સ્થિતિ પૂરી થયે નિયમથી મિથ્યાદ્રષ્ટિ જીવ નિગોદમાં-એકેન્દ્રિયમાં જાય છે. કદાચિત્ પંચેન્દ્રિયમાં રહે તો એક હજાર સાગર રહે અને સમગ્રપણે ત્રસમાં રહેવાનો વધુમાં વધુ બે હજાર સાગર જેટલો કાળ છે. આ કાળમાં જો સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરે તો અનંત સુખમય સિદ્ધપદ પામે અને જો ન કરે તો મહાદુઃખમય નિગોદ અવસ્થાને પ્રાપ્ત થાય. ત્યાં અનંતકાળ દુઃખ ભોગવે.
ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એક ચિન્માત્રસ્વભાવમય છે. તે ભેદજ્ઞાનીઓ વડે દેહથી ભિન્નપણે સ્વયં ઉપલભ્યમાન છે. ‘સ્વયં ઉપલભ્યમાન છે.’ એનો શું અર્થ છે? કે સમકિતીઓને પોતાની જ્ઞાનની દશાથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે એવો તેનો અર્થ છે, મતિ-શ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. તેથી દેહ તે જીવ નથી, દેહથી ભિન્ન આત્મા ચૈતન્યસ્વભાવમય જુદી વસ્તુ છે. અનેક અવસ્થાઓના ભેદરૂપ પ્રવર્તતું જે શરીર એમાં આત્માનો અધિકાર છે એમ નથી. (શરીર અને આત્મા બન્ને ભિન્નભિન્ન છે).
શ્રી સમયસાર ગાથા ૯૬ ની ટીકામાં આવે છે કે આ શરીર છે તે મૃતક કલેવર એટલે મડદું છે. તેમાં અમૃતનો સાગર એવો ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે. શુદ્ધ