૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ ચૈતન્યસ્વભાવમય અમૃતનો સાગર હું છું એમ અનુભવવાને બદલે આ મૃતક શરીર હું છું, આ શરીર મારું છે એમ તું કયાં મૂર્છાઈ ગયો, પ્રભુ! અરે! અમૃતનો સાગર મૃતક શરીરમાં મૂર્છાયો એ મોટું કલંક છે.
પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને અન્ય જીવ એમ છ દ્રવ્યો છે તે મનનો વિષય છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા પણ મનનો વિષય છે. તેથી બીજી રીતે કહીએ તો સર્વજ્ઞ પરમાત્મા પણ ઇન્દ્રિય છે. અંદર ખંડખંડ જ્ઞાન જે થઈ રહ્યું છે તે પણ ભાવેન્દ્રિય છે. ભાવેન્દ્રિય ખંડખંડ જ્ઞાનને જણાવે છે, જ્યારે આત્મા ચૈતન્યસ્વરૂપ અખંડ છે. તેથી ખંડખંડ જ્ઞાનને જણાવતી ભાવેન્દ્રિય અખંડ આત્માથી ભિન્ન પર વસ્તુ છે, જ્ઞેય છે. એક રીતે તો તે ભાવેન્દ્રિયને પુદ્ગલના પરિણામ કહ્યા છે કેમકે ક્ષયોપશમભાવ એ આત્માનો સ્વભાવ નથી. શ્રી સમયસાર ગાથા ૪૯ ની ટીકામાં કહ્યું છે કે ક્ષયોપશમભાવ એ જીવનો સ્વભાવ નથી. સ્વભાવદ્રષ્ટિથી જોતાં ક્ષયોપશમભાવનો તેમાં અભાવ છે. અહો! વસ્તુનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ અને ગંભીર છે. લોકોને બહારની (ક્રિયાકાંડની) પ્રવૃત્તિ આડે અંતર (અંદરમાં) વસ્તુ શું છે તે શોધવાની દરકાર નથી.
શ્રી સમયસાર ગાથા પ૦ થી પપ માં આવશે કે શબ્દો, વાણી, શરીર, ઇન્દ્રિય, મન એ બધાં જે નોકર્મ છે એનાથી અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. શરીરથી જુદો છું એમ ધારણામાં લીધું હોય, પણ એવો ભિન્ન ચૈતન્યસ્વભાવમય આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવો જોઈએ. ભેદજ્ઞાનીઓ દેહથી ભિન્ન શુદ્ધ ચિદાનંદમય આત્માને પ્રત્યક્ષ અનુભવે છે.
પાંચમો બોલઃ સમસ્ત જગતને પુણ્ય-પાપરૂપે વ્યાપતો કર્મનો વિપાક છે તે પણ જીવ નથી કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે.
જગતના સઘળા સંસારીઓને પુણ્ય-પાપરૂપે કર્મનો વિપાક વ્યાપેલો છે. તેઓ પુણ્ય- પાપને જીવ કહે છે. અહીં કહે છે કે પુણ્ય-પાપ છે એ કર્મનો વિપાક છે, એ આત્મા નથી. શ્રી સમયસાર કળશટીકા કળશ ૧૮૯ માં લીધું છે કે પઠન-પાઠન, સાંભળવું, ચિન્તન કરવું, સ્તુતિ, વંદના એ સઘળો જે ક્રિયા-કલાપ છે તે વિકલ્પ છે, રાગ છે. હજુ જેને પઠન-પાઠનની નવરાશ નથી એની તો વાત જ શું કરવી? એને તો આત્મા શુભાશુભ ભાવથી રહિત શુદ્ધ ચૈતન્યધાતુ છે એ બેસી શક્તું જ નથી. ભાઈ! હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિ પાપના ભાવ તો ઝેર છે જ, પણ આ પઠન-પાઠન, શ્રવણ, ચિંતવન, સ્તુતિ, વંદના આદિ શુભભાવ છે તે પણ ઝેરનો ઘડો છે. તે કાંઈ અમૃતસ્વરૂપ આત્મા નથી.
જેને આત્માના આનંદનો અનુભવ હોય તેના શુભભાવને આરોપથી અમૃત કહેવાય