૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ ભ્રમર થઈ એકત્વ પામ, ચૈતન્યના આનંદરસનો ભોક્તા થા. આ ચૈતન્યકમળ જ્ઞાનાનંદના રસથી અત્યંત ભરેલું છે. તેમાં તું નિમગ્ન થઈ એકલા જ્ઞાનાનંદરસને પી. અહાહા! તું નિર્મળપર્યાયરૂપ ભ્રમર થઈને ત્રિકાળી એકરૂપ ચૈતન્યરસમાં નિમગ્ન થા. તેથી તને આનંદનો અદ્ભુત અનિર્વચનીય આસ્વાદ પ્રાપ્ત થશે. શુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે. તુ આનો અભ્યાસ કરે અને પ્રાપ્તિ ન થાય એમ કદી બને જ નહિ.
ભગવાન આત્મા પુદ્ગલથી ભિન્ન અર્થાત્ રાગાદિ વિકલ્પથી ભિન્ન ચૈતન્યના તેજથી ભરેલો, ચૈતન્યના નૂરનું પૂર છે. તેની સન્મુખ થઈ અંતર્નિમગ્ન થતાં અવશ્ય આત્મોપલબ્ધિ થાય છે. પુરુષાર્થ કરે અને પ્રાપ્તિ ન થાય એ કેમ બને? (પ્રાપ્તિ થાય જ). જે કોઈ વ્યવહારના વિકલ્પો છે તેનાથી ભગવાન આત્માનું ચૈતન્ય-તેજ ભિન્ન છે. તે ચૈતન્ય-તેજના અનુભવ માટે વિકલ્પનો કોઈ સહારો નથી. તેથી કાળલબ્ધિ પાકે ત્યારે પ્રાપ્તિ થશે. ભગવાને દીઠું હશે ત્યારે પ્રાપ્ત થશે-ઇત્યાદિ અનેક પ્રકારના વિકલ્પોની નબળી વાતો રહેવા દે. એવી નબળી વાતોથી આત્માના પુરુષાર્થને છેદ મા, તારા પ્રયોજનને છેદ મા. સ્વભાવસન્મુખતાના પુરુષાર્થ વડે જેનું પ્રયોજન છે તે સ્વાત્મોપલબ્ધિ સિદ્ધ કર.
વળી કોઈ સમયસારમાં ઉદ્ધૃત ‘जइ जिणमयं पवज्जह......’ છંદનો આધાર આપીને કહે છે કે-જો જિનમાર્ગને પ્રવર્તાવવા ઇચ્છતા હો તો નિશ્ચય અને વ્યવહાર એમ બન્ને નયોને ન છોડો. પરંતુ ભાઈ, એનો અર્થ શું? એનો અર્થ તો એમ છે કે-વ્યવહાર છે ખરો, પણ વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. સાધકપણાનો ભાવ, ૧૪ ગુણસ્થાન આદિ સઘળો વ્યવહાર છે ખરો, પરંતુ તે આશ્રય કરવા લાયક નથી.
શ્રી સમયસાર ગાથા ૧૧માં કહ્યું છે કે ભૂતાર્થનો અર્થાત્ એક નિશ્ચયનો આશ્રય કરો. કેમકે ત્રિકાળી ભગવાન જે છતો વિદ્યમાન પદાર્થ અસ્તિરૂપ મહાપ્રભુ છે એના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન થયા પછી, બાકી રહેલી અશુદ્ધતા અને પર્યાયની અપૂર્ણતા તે તે કાળે જાણેલી પ્રયોજનવાન છે એમ ગાથા ૧૨માં લીધું છે. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. ‘व्यवहारनयो......परिज्ञाय–मानस्तदात्वे प्रयोजनवान्’ એટલે કે વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. તે તે કાળે જે પ્રકારની અશુદ્ધતા છે અને શુદ્ધતાનો જે અંશ વધ્યો છે તે સઘળો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એવો અર્થ શ્રી અમૃતચન્દ્રાચાર્યદેવે ૧૨મી ગાથાની ટીકામાં કર્યો છે.
સિદ્ધ, સાધક અને સંસાર એ બધું વ્યવહાર છે. ત્રિકાળી ધ્રુવ તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર છે. વ્યવહાર છે ખરો, પણ જાણેલો પ્રયોજનવાન છે; નિશ્ચય છે તે આદરેલો પ્રયોજનવાન છે. બાપુ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે. ભગવાને એમ જ કહ્યું છે, શાસ્ત્રમાં એમ જ છે અને વસ્તુની સ્થિતિ પણ એમ જ છે.