૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ જ નિરંતર અનુભવો એમ કહ્યું છે. શુભરાગનો જે અનુભવ છે તે દુઃખરૂપ છે, તે પરમાર્થ નથી.
વ્યવહાર આવે ખરો, પણ તે પરમાર્થ નથી. ભગવાન આત્માને અનુભવવો તે પરમાર્થ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી શુદ્ધાત્માને સેવવો અને ઉત્કૃષ્ટ લક્ષ્મી-જ્ઞાન અને આનંદ પ્રગટ કરવાં તે પરમાર્થ છે. ઝીણી વાત છે, પણ સાદી ભાષામાં કહેવાય છે. કલકત્તેથી અમુક યુવાન છોકરા આવ્યા હતા. પણ અરે! આત્મા કયાં બાળક, વૃદ્ધ કે યુવાન છે? ભગવાન આત્માનો અનુભવ કરે તે ખરેખર યુવાન છે. આત્માનો અનુભવ ન કરે અને રાગને પોતાનો માને તે અજ્ઞાની વૃદ્ધ હોય, ૩૧ સાગરની આયુષ્યની સ્થિતિવાળો દેવ હોય તોપણ તે બાળક છે. રાગથી ભિન્ન પડીને ભગવાન આત્માનો અનુભવ કરે ત્યાં આત્મા પુષ્ટ થાય છે માટે તે યુવાન છે. બાળકપણામાં આત્માનું શોષણ (હીનતા) થતું હતું તેથી તેને બાળક કહ્યો. અને પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટાવે તે ખરેખર વૃદ્ધ છે.
રાગાદિ ભાવોમાં ચેતનપણાનો ભ્રમ ઉપજે છે, પણ તે પરમાર્થે ચેતન નથી. સ્વભાવની દ્રષ્ટિએ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ કર્મ જન્ય છે. જડ કર્મનો સંબંધ આત્માને અસદ્ભૂત વ્યવહારનયથી છે, રાગનો સંબંધ અશુદ્ધ નિશ્ચયનયથી છે અને મતિજ્ઞાન આદિનો પણ ત્રિકાળી આત્મા સાથે અશુદ્ધ નિશ્ચયનયથી સંબંધ છે. ચાર ગતિની યોગ્યતા જે છે તેને પણ અશુદ્ધ-નિશ્ચયનયથી આત્મા સાથે સંબંધ છે, કેમકે તે આત્માની પર્યાયમાં છે. અશુદ્ધનિશ્ચય કહો કે વ્યવહાર કહો, બન્ને એક જ વાત છે. પર્યાય તે વ્યવહાર અને દ્રવ્ય તે નિશ્ચય છે.