૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ તેમ. ત્રસ-સ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન (ઘાત) કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે.
જુઓ, પરમાર્થે તો જીવ શરીરથી ભિન્ન જ છે. પરંતુ વ્યવહારથી જીવ અને શરીરને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. નિશ્ચયથી તો જીવ જ્ઞાનમાત્ર વસ્તુ છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, આદિ જે છકાય છે તે પરમાર્થે જીવ નથી. પરંતુ એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ જે છકાયની પર્યાય છે તે વ્યવહારથી જીવ છે કે નહિ? તે વ્યવહારથી જીવ છે એમ અહીં સિદ્ધ કરે છે. છે હેય પણ હેય પણ છે તો ખરો ને? જે ‘છે’ તે હેય હોય કે જે ‘નથી’ તે હેય હોય?
એકેન્દ્રિય આદિ પર્યાય વ્યવહારથી જીવ છે એમ ન માનવામાં આવે તો, (એવો વ્યવહાર ન માનવામાં આવે તો) જેમ ભસ્મ એટલે રાખને મસળી નાખવામાં હિંસાનો-પાપનો અભાવ છે તેમ ત્રસ-સ્થાવર જીવોનો, તે વ્યવહારથી જીવ છે એમ નહિ માનવાથી, ઘાત કરવાના ભાવમાં પણ હિંસાનો ભાવ સિદ્ધ નહિ થાય; એમાં હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે. અહીં ત્રસ-સ્થાવર જીવોનો ઘાત આત્મા કરી શકે છે એ પ્રશ્ન નથી. પરંતુ જો એકેન્દ્રિયાદિ પર્યાયને જીવ ન માનવામાં આવે તો તેમનો ઘાત કરું એવો જે ભાવ થાય તે ભાવમાં હિંસાનો ભાવ સિદ્ધ નહિ થાય, હિંસાનો અભાવ ઠરશે એમ વાત છે. તથા શરીર અને જીવ તદ્ન એક જ છે એમ અહીં માનવું નથી, પણ શરીર અને જીવને (સંશ્લેષ સંબંધ છે) નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એ વ્યવહાર અહીં બતાવવો છે.
દ્રવ્ય પોતે નિશ્ચય છે અને જે નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાય છે એ વ્યવહાર છે. જો પર્યાય જ નથી એમ કહો તો નિશ્ચય મોક્ષમાર્ગ જ સિદ્ધ નહિ થાય. શ્રી પરમાર્થ વચનિકામાં આવે છે કે શુદ્ધ દ્રવ્ય અક્રિયરૂપ તે નિશ્ચય છે અને સાચો મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. મોક્ષમાર્ગ પણ પર્યાય છે ને? તેથી તે વ્યવહાર છે. એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ જાણે છે પણ મૂઢ જીવ જાણે નહિ અને માને પણ નહિ. જો વ્યવહાર ન હોય તો પર્યાય છે, રાગ છે, એકેન્દ્રિયાદિ જીવ છે, જીવને શરીર સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે ઇત્યાદિ કશુંય સિદ્ધ નહિ થાય.
આગળ (ગાથા ૪૭ માં) સમજાવવા માટે ઉદાહરણ આપ્યું છે કે એક યોજનમાં રાજા જઈ રહ્યો છે. ત્યાં રાજા કાંઈ એક યોજનમાં વ્યાપેલો નથી, પણ તેની સેના એક યોજનમાં ફેલાએલી છે. ત્યાં સેનાને રાજા સાથે સંબંધ છે. તેથી રાજા એક યોજનમાં જઈ રહ્યો છે એમ કહેવામાં આવે છે. તેમ ભગવાન આત્મા તો નિશ્ચયથી એકરૂપ છે, પણ રાગાદિ તેની પર્યાયમાં વ્યાપે છે. તેથી આત્માને રાગાદિ થાય છે એમ કહેવામાં આવે છે-એ વ્યવહાર છે.