સમયસાર ગાથા-૪૬ ] [ પ૧ એની અસ્તિ સિદ્ધ થઈ ગઈ, અર્થાત્ એની એટલી અપેક્ષા આવી ગઈ. ભાઈ, આ તત્ત્વ સમજવા માટે મધ્યસ્થ થવું જોઈએ. મધ્યસ્થ થાય એને સમજાય એવું છે.
નિશ્ચય જે શુદ્ધ દ્રવ્યવસ્તુ તેનો નિર્ણય કરનાર કોણ છે? તેનો નિર્ણય કરનારી પર્યાય વ્યવહાર છે. નિત્યનો નિર્ણય કરનાર પણ અનિત્ય પર્યાય જ છે. ભાઈ, બધું સ્યાદ્વાદની અપેક્ષાથી જ સમજાય એમ છે, એકાંતથી કાંઈ પકડાય નહિ. પરંતુ સ્યાદ્વાદનો અર્થ એમ નથી કે નિશ્ચયથી પણ મોક્ષમાર્ગ થાય અને વ્યવહારથી પણ મોક્ષમાર્ગ થાય. વ્યવહાર છે, બસ એટલું અહીં કહેવું છે.
આ શાસ્ત્રની આઠમી ગાથામાં આવે છે કે મ્લેચ્છોને ‘સ્વસ્તિ’ એટલે તારું ‘અવિનાશી કલ્યાણ થાઓ’ એવો અર્થ મ્લેચ્છભાષા દ્વારા જ સમજાવી શકાય છે. તેવી રીતે વ્યવહારીઓને વસ્તુસ્વરૂપ વ્યવહારનય દ્વારા સમજાવવામાં આવે છે. પરંતુ જેમ બ્રાહ્મણે મ્લેચ્છ થવું યોગ્ય નથી તેમ સમજનારે કે સમજાવનારે વ્યવહારને અનુસરવો યોગ્ય નથી. ત્યાં એમ કહ્યું છે કે વ્યવહારનય મ્લેચ્છભાષાના સ્થાને હોવાના લીધે પરમાર્થનો પ્રતિપાદક હોવાથી સ્થાપન કરવા યોગ્ય છે પણ તેથી તે અનુસરવા યોગ્ય નથી. આ તો પરમ સત્યની સિદ્ધિ થાય છે, ભાઈ!
શ્રી પુરુષાર્થ સિદ્ધયુપાયમાં આવે છે કે-જ્યારે એક નયની વિવક્ષા હોય ત્યારે બીજા નયને ઢીલો કરવો, ગૌણ કરવો; વલોણામાં રવઈ ખેંચનાર ગોવાલણની જેમ-જેમ નેતરાંનો એક છેડો ખેંચવામાં આવે ત્યારે બીજો છેડો ઢીલો મૂકવામાં આવે છે તેમ. પણ એ તો બન્ને નયોના વિષયોનું જ્ઞાન કરવું હોય એની વાત છે. વ્યવહારનું જ્ઞાન કરવું હોય ત્યારે નિશ્ચયને ગૌણ કરે અને નિશ્ચયનું જ્ઞાન કરવું હોય ત્યારે વ્યવહારને ગૌણ રાખે. પરંતુ આશ્રય કરવા અને શ્રદ્ધા કરવા માટે તો એક જ-એક નિશ્ચય જ મુખ્ય છે. એક ત્રિકાળ ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય. ત્યાં તો એક નિશ્ચયના જોરમાં (આશ્રયમાં) વ્યવહારને ઢીલો કરીને (એનું લક્ષ છોડી દઈને) પર્યાયને નિશ્ચયમાં જોડી દેવાની છે. (સહજ જોડાય જાય છે.) એક ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય એ એક જ સિદ્ધાંત છે; વ્યવહારના આશ્રયે પણ સમક્તિ થાય એમ સ્યાદ્વાદ નથી. શ્રદ્ધાન કરવામાં કે આશ્રય કરવામાં વ્યવહારને તાણવો (મુખ્ય કરવો) અને નિશ્ચયને ઢીલો (ગૌણ) કરવો એ વાત છે જ નહિ, એવો સ્યાદ્વાદ છે જ નહિ.
સ્યાદ્વાદનો અર્થ એવો નથી કે નિશ્ચયથી પણ ધર્મ થાય અને વ્યવહારથી પણ ધર્મ થાય. જેમ મ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારીઓને પરમાર્થનો કહેનાર છે. પરંતુ વ્યવહારનય પરમાર્થનો પ્રગટ કરનાર છે એમ નથી. ભેદ છે તે અભેદને બતાવે છે પણ અભેદનો અનુભવ કરાવતો નથી. માટે ભેદ આદરણીય નથી, વ્યવહાર આદરણીય નથી.