પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ રાગગ્રામમાં આત્માનું વ્યાપવું અશકય છે. આનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ ભગવાન નિત્ય ધ્રુવ પ્રભુ અસંખ્ય પ્રકારની અશુદ્ધતામાં, વિકારમાં કેમ આવે? અશુદ્ધતાને કરે, વિકારને કરે એવો કોઈ આત્મામાં ગુણ, સ્વભાવ કે શક્તિ નથી. પર્યાયમાં જે અશુદ્ધતા થાય છે તે સ્વતંત્ર અશુદ્ધ ઉપાદાનથી થાય છે. અશુદ્ધ ઉપાદાન કહો કે વ્યવહાર કહો. શુદ્ધ ઉપાદાનભૂત વસ્તુ કાંઈ અશુદ્ધ ઉપાદાનનું કારણ નથી, પણ નિમિત્ત છે. તેથી જેમ સેનામાં રાજા રહ્યો છે એમ કહેવાનો વ્યવહારી લોકોનો વ્યવહાર છે તેમ વિકારમાં જીવ રહ્યો છે એમ કહેવાનો વ્યવહારીજનનો વ્યવહાર છે. વસ્તુ ખરેખર રાગમાં આવી જ નથી.
અજ્ઞાનીઓને સમજાવવા વ્યવહારથી ઉપદેશ કરવામાં આવે છે. પણ વ્યવહારને જ ચોંટી પડે, વળગી પડે એ ઉપદેશને પાત્ર નથી. અરે ભાઈ! આત્મા કોઈ અલૌકિક વસ્તુ છે!! એ તો ભગવત્સ્વરૂપ પરમાત્મારૂપ સમયસાર છે. ત્રિકાળ ધ્રુવ પરમાનંદસ્વરૂપ ચિદ્ઘન વસ્તુ છે તે ભૂતાર્થ છે, સત્ય છે. અને તે જ આત્મા અને સમયસાર છે. શ્રી સમયસાર ગાથા ૧૧માં આવે છે કે ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે તે ભૂતાર્થ છે અને અસંખ્ય પ્રકારના વિકારો, પર્યાયભેદો છે તે ત્રિકાળીની અપેક્ષાએ અસત્યાર્થ છે. પર્યાયની અપેક્ષાએ પર્યાય છે, પણ દ્રવ્યની અપેક્ષાએ તે અસત્યાર્થ છે. રાગાદિના અસંખ્ય પ્રકારમાં આત્મા ઉપાદાનભૂત નથી, નિમિત્ત તરીકે છે. નિત્ય એકરૂપ સત્યાર્થ પ્રભુ આત્મા ચિન્માત્રમૂર્તિ પવિત્રતાનો પિંડ છે. તેને અસંખ્ય પ્રકારના રાગમાં વ્યાપેલો કહેવો તે વ્યવહારનય છે.
વસ્તુ તો શુદ્ધ ઉપાદાનસ્વરૂપ છે. તેમાં અશુદ્ધતાની ગંધ નથી. માટે અશુદ્ધતાની દશામાં ફેલાઈને રહે તે અશકય છે. છતાં પર્યાયમાં જે રાગાદિ અસંખ્ય પ્રકારે અશુદ્ધતા છે તેમાં અશુદ્ધ ઉપાદાન કારણ છે. તે સ્વતંત્ર છે. દ્રવ્યનું તો માત્ર તેમાં નિમિત્તપણું છે એટલે માત્ર હાજરી, ઉપસ્થિતિ છે. તેથી વ્યવહારથી એટલે અભૂતાર્થનયથી એમ કહેવામાં આવે છે કે રાગાદિના અસંખ્ય પ્રકારોમાં આત્મા વ્યાપ્યો છે.
ભાઈ! આ વાત ઝીણી છે. પણ પ્રયત્ન કરે તો સમજાય તેવી છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરનાં આ વચનો છે તે સંતોએ પ્રસિદ્ધ કર્યાં છે. તેનું વાચ્ય બહુ ઊંડું અને રહસ્યમય છે. ગંભીર કથન છે! શું કહે છે? કે પૂર્ણાનંદનો નાથ નિત્યાનંદ ધ્રુવ પ્રભુ વિકારના, રાગના વિસ્તારમાં વ્યાપે તે અશકય છે. આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવો, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, કામ, ક્રોધાદિ અશુભભાવો તથા અસંખ્યાત મિથ્યાત્વના ભાવો-એમ અસંખ્ય પ્રકારના જે વિકારી ભાવો તેમાં સત્યાર્થ શુદ્ધ જીવવસ્તુ વ્યાપતી નથી કેમકે તે અનાદિ અનંત ધ્રુવ એકસ્વરૂપ છે. સર્વજ્ઞ સિવાય આ વાત બીજે કયાંય મળે એમ નથી. અહો! દ્રવ્યસ્વભાવ શું અદ્ભુત પરલૌકિક ચીજ છે!!