સમયસાર ગાથા ૪૭-૪૮ ] [ પ૭
પરમાર્થે જીવ એક જ છે. અધ્યવસાનાદિ ભાવો જીવ નથી. અશુદ્ધતાને કરે એવી જીવમાં કોઈ શક્તિ કે ગુણ નથી. પર્યાયમાં જે અશુદ્ધતાના વિકારી ભાવો થાય છે તે જીવમાં છે એમ વ્યવહારથી કહેવાય છે, ખરેખર એ મૂળ વસ્તુમાં નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ, દેવ-ગુરુ- શાસ્ત્રની માન્યતાનો વિકલ્પ, નવતત્ત્વના ભેદરૂપ શ્રદ્ધાનનો રાગ, શાસ્ત્ર ભણવાની રુચિનો વિકલ્પ, પાંચ મહાવ્રત પાળવાનો વિકલ્પ, છ કાયના જીવોની રક્ષાનો વિકલ્પ-એ બધામાં આત્મા વ્યાપતો નથી છતાં એ બધામાં આત્મા છે એમ કહેવું એ વ્યવહારનય છે.
આત્મા તો તેને કહીએ જે એક શુદ્ધ ચિદ્ઘન છે. જેમ રાજા એક છે તેમ આત્મા એક જ છે. પાંચ યોજનમાં ફેલાએલો રાજા છે એમ કહેવું એ તો સેનામાં રાજા કહેવાનો વ્યવહાર છે. તેમ રાગગ્રામમાં આત્મા વ્યાપ્યો છે એમ કહેવું એ તો પર્યાયમાં આત્મા કહેવાનો વ્યવહાર છે. ખરેખર પર્યાયમાં આત્મા વ્યાપતો નથી. આમ કહી શું કહેવા માગે છે? કે અનાદિની જે પર્યાય પ્રપંચ ઉપર દ્રષ્ટિ છે, અશુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિ છે તેનું લક્ષ છોડી ભગવાન આત્મા જે એકરૂપ છે તેના ઉપર દ્રષ્ટિ કર. તેથી પર્યાયમાં નિર્મળતા થશે. અહાહા? શું દિગંબર સંતોની વાણી!
જે પુણ્ય-પાપરૂપ વિકાર છે તે ભૂતાવળ છે. ભગવાન આત્મા ભૂતાર્થ છે. ભૂતાવળમાં ભગવાન ચૈતન્યમૂર્તિ આવે એમ કદીય બનતું નથી. છતાં એ પુણ્ય-પાપના ભાવોની ભૂતાવળમાં આત્મા છે એમ કહેવું એ વ્યવહારનય છે.