Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 578 of 4199

 

૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ સ્પર્શના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે સ્પર્શરૂપે પરિણમતો નથી માટે અસ્પર્શ છે. ૬. આમ છ પ્રકારે સ્પર્શના નિષેધથી તે અસ્પર્શ છે.

એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દપર્યાય વિદ્યમાન નથી માટે અશબ્દ છે. ૧. પુદ્ગલદ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દપર્યાય નથી માટે અશબ્દ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દવેદનાપરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. પ. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે શબ્દરૂપે પરિણમતો નથી માટે અશબ્દ છે. ૬. આમ છ પ્રકારે શબ્દના નિષેધથી તે અશબ્દ છે.

(હવે ‘અનિર્દિષ્ટસંસ્થાન’ વિશેષણ સમજાવે છેઃ-) પુદ્ગલદ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના સંસ્થાન (આકાર)થી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. ૧. પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શરીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૨. સંસ્થાન નામકર્મનો વિપાક (ફળ) પુદ્ગલોમાં જ કહેવામાં આવે છે (તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી) માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૩. જુદાં જુદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદનશક્તિ સંબંધિત (અર્થાત્ તદ્રાકાર) છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી (-સંબંધથી) રહિત નિર્મળ (જ્ઞાનમાત્ર) અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ૪. આમ ચાર હેતુથી સંસ્થાનનો નિષેધ કહ્યો.

(હવે ‘અવ્યક્ત’ વિશેષણને સિદ્ધ કરે છેઃ-) છ દ્રવ્યસ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૧. કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ૨. ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન (અંતર્ભૂત) છે માટે અવ્યક્ત છે. ૩. ક્ષણિક વ્યક્તિમાત્ર નથી માટે અવ્યક્ત છે. ૪. વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. પ. પોતે પોતાથી જ બાહ્ય-અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન (પ્રકાશમાન) છે માટે અવ્યક્ત છે. ૬. આમ છ હેતુથી અવ્યક્તપણું સિદ્ધ કર્યું.