સમયસાર ગાથા-૪૯ ] [ ૭૭ લક્ષ કરતી નથી. બીજી રીતે કહીએ તો એક સમયનું જે આનંદનું વેદન તેમાં પોતે ઊભો રહેતો નથી.
હવે ઉપસંહાર કરતાં કહે છે કે-આ પ્રમાણે ભગવાન આત્મામાં રસ, ગંધ, રૂપ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાનગોચરમાત્રપણાના અભાવને લીધે જીવને અલિંગગ્રહણ કહેવામાં આવે છે.
અહાહા! શું કહે છે? ભગવાન આત્મામાં જેમ રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને સંસ્થાનનો અભાવ છે તેમ વ્યક્ત પર્યાયનો પણ અભાવ છે. આવો હોવા છતાં વર્તમાન પર્યાયમાં સ્વ નામ પોતાના પ્રત્યક્ષ વેદનના બળથી-સ્વસંવેદનના બળથી આત્મા સદા પ્રત્યક્ષ છે. પોતે તો સદા પ્રગટ અને પ્રત્યક્ષ જ છે. પ્રવચનસાર ગાથા ૧૭૨માં અલિંગ-ગ્રહણના છઠ્ઠા બોલમાં લીધું છે કે ભગવાન આત્મા સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. આત્માનો સ્વભાવ જ પ્રત્યક્ષ થવાનો છે. પરોક્ષ રહેવાનો એનો સ્વભાવ જ નથી. ઇન્દ્રિય, મન કે અનુમાનજ્ઞાનથી જણાય એવો આત્માનો સ્વભાવ જ નથી. (આ વાત અલિંગગ્રહણના પહેલા પાંચ બોલમાં લીધી છે).
જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન નહીં ત્યાં ત્યાં આત્મા નહિ-એવું જે અનુમાનજ્ઞાન છે એ ભેદરૂપ છે અને ભેદરૂપ છે માટે વ્યવહાર છે. રાગ કે વ્યવહારજ્ઞાનની જેમાં અપેક્ષા નથી એવા સ્વસંવેદનના બળથી ભગવાન આત્મા સદા પ્રત્યક્ષ થતો હોવાથી અનુમાનગોચરમાત્રપણાનો આત્મામાં અભાવ છે. તેથી અનુમાનજ્ઞાનરૂપ વ્યવહારનો પણ આત્મામાં અભાવ છે. પ્રત્યક્ષપૂર્વકનું અનુમાન હોય તો તે પણ વ્યવહાર છે. એવા અનુમાનથી પણ આત્મા જણાતો નથી એમ કહે છે.
સમયસાર કળશટીકાના કળશ ૮માં ‘उन्नीयमानम्’ એટલે કે ચેતનાલક્ષણથી લક્ષિત થાય છે એટલે કે અનુમાનગોચર પણ છે એમ લીધું છે. પણ અહીં તો એટલો વિકલ્પ (ભેદ) પણ કાઢી નાખ્યો છે. (અનુભવ પૂર્વે એવો કોઈ ભેદ હોય તે જુદી વાત છે). સીધો સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ થાય છે એવો જ આત્માનો સ્વભાવ છે. અહીં પ્રત્યક્ષ જ્ઞાન લેવું છે. એ જ કળશ આઠમાં બીજો પક્ષ રજુ કરતાં કહ્યું છે કે-‘उद्योत–मानम्’-પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. આ વાત અહીં લેવી છે. વસ્તુ વિચારતાં ‘આ જ્ઞાન તે આત્મા’ એવો અનુમાનનો વિકલ્પ ઊઠે તે પણ જૂઠો છે. શુદ્ધ વસ્તુમાત્ર છે, આવો અનુભવ સમ્યક્ત્વ છે.
સમયસારમાં છેલ્લે પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓનું વર્ણન છે. ત્યાં આત્મામાં એક ‘પ્રકાશ’ નામની શક્તિ કહી છે. આ શક્તિના કારણે પોતે (આત્મા) પોતાથી સીધો