૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ જણાય એવો જ એનો સ્વભાવ છે. ‘સ્વયં પ્રકાશમાન વિશદ (સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી (સ્વાનુભવમયી) પ્રકાશ શક્તિ.’ અહીં જે સ્વસંવેદનપ્રત્યક્ષ લીધું છે એ પ્રકાશશક્તિની અપેક્ષાએ લીધું છે. આત્માને જાણવામાં રાગ કે નિમિત્તની અપેક્ષા તો નથી પણ અનુમાનજ્ઞાનની પણ અપેક્ષા નથી. આત્મા સીધો પર્યાયમાં સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ થવાના જ સ્વભાવવાળો છે.
આનંદના વેદનની અપેક્ષાએ અહીં પ્રત્યક્ષ કહ્યો છે. અતીન્દ્રિય આનંદને આત્મા સીધો વેદે છે. આનંદનું વેદન પ્રત્યક્ષ છે એનું જોર આપીને પ્રત્યક્ષ કહ્યું છે. આત્માના આનંદના સ્વાદમાં શ્રુતજ્ઞાનીને અને કેવળજ્ઞાનીને કોઈ ફેર નથી; આત્માના ગુણો અને આકાર જોવામાં કેવળીને જેમ પ્રત્યક્ષ જણાય તેમ શ્રુતજ્ઞાનીને ન જણાય પણ સ્વાનુભૂતિમાં આનંદનું વેદન તો શ્રુતજ્ઞાનીને પણ પ્રત્યક્ષ જ છે. શ્રુતજ્ઞાનીને જે આનંદનું વેદન છે તે પ્રત્યક્ષ છે. એ કોઈ બીજો થોડો વેદે છે? તેથી શ્રુતજ્ઞાનની અપેક્ષાએ આત્મા પરોક્ષ ભલે હોય, પણ વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ છે. સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ છે.
આંધળો સાકર ખાય અને દેખતો મનુષ્ય ખાય. ત્યાં બન્નેને મીઠાશના વેદનમાં કાંઈ ફરક નથી. આંધળો સાકરને પ્રત્યક્ષ દેખતો નથી, પણ સાકરની મીઠાશના સ્વાદમાં કાંઈ ફેર નથી. તેમ આત્માના આનંદના સ્વાદમાં શ્રુતજ્ઞાની અને કેવળજ્ઞાનીને કાંઈ ફરક નથી. કેવળજ્ઞાનીને અસંખ્યાતપ્રદેશી અનંતગુણનો પિંડ આત્મા અને તેના આકારાદિ સાક્ષાત્ પ્રત્યક્ષ દેખાય છે તેમ શ્રુતજ્ઞાનીને પ્રત્યક્ષ જણાતું નથી પણ વેદનની અપેક્ષાએ અહીં પ્રત્યક્ષનું જોર આપ્યું છે. વળી તેમાં પ્રત્યક્ષ થવાનો પ્રકાશ નામનો ગુણ છે. પોતે પોતાથી સીધો જણાય એવો આત્મામાં પ્રકાશ નામનો ગુણ છે. પોતે સીધો આનંદને વેદે છે. તેથી વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ છે એમ કહ્યું છે.
સમયસાર કળશટીકા, કળશ ૧૯માં આવે છે કે-‘શ્રુતજ્ઞાનથી આત્મસ્વરૂપ વિચારતાં ઘણા વિકલ્પો ઊપજે છે; એક પક્ષથી વિચારતાં આત્મા અનેકરૂપ છે, બીજા પક્ષથી વિચારતાં આત્મા અભેદરૂપ છે-આમ વિચારતાં થકાં તો અનુભવ નથી, તો અનુભવ કયાં છે? ઉત્તર આમ છે કે પ્રત્યક્ષપણે વસ્તુને આસ્વાદતાં થકાં અનુભવ છે.’
કળશ ૯૩માં પણ લીધું છે કે-‘જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે, કેમકે સવિકલ્પ છે, અનુભવ પ્રત્યક્ષ છે; કેમકે નિર્વિકલ્પ છે તેથી (સવિકલ્પ) શ્રુતજ્ઞાન વિના જે નિર્વિકલ્પ જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવાતો થકો જે કોઈ શુદ્ધસ્વરૂપ આત્મા તે જ જ્ઞાનપુંજ વસ્તુ છે એમ કહેવાય છે.’ આમ ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયમાં સીધો પ્રત્યક્ષ જણાય છે. એમાં રાગ કે નિમિત્તની તો અપેક્ષા નથી પણ અનુમાનજ્ઞાનથી પણ તે જણાય નહિ એવો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. આવા અર્થમાં અહીં પ્રત્યક્ષ કહ્યો છે.