સમયસાર ગાથા-૪૯ ] [ ૭૯
આમાં (કળશ ૯૩માં) શ્રુતજ્ઞાન પરોક્ષ કીધું. ખરેખર તો શ્રુતજ્ઞાનનો અનુભવ પ્રત્યક્ષ છે. ગાથા ૧૪૪ ની ટીકામાં લીધું છે કે-ઇન્દ્રિયો અને મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓને મર્યાદામાં લાવીને મતિજ્ઞાનતત્ત્વને આત્મસન્મુખ કરીને, તથા અનેક વિકલ્પો મટાડીને શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસન્મુખ કરીને, અત્યંત વિકલ્પરહિત થઈને નિજ પરમાત્મસ્વરૂપ સમયસારને અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે. આમાં શ્રુતજ્ઞાન વડે અનુભવ થવો કહ્યો છે. જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. શ્રુતજ્ઞાનના વિકલ્પોમાં આત્મા પરોક્ષ છે પણ અનુભવમાં, વેદનમાં પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન અપેક્ષા ચારેય જ્ઞાનને પરોક્ષ પણ કહ્યાં છે.
વળી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ‘આગમ-અનુમાનાદિક પરોક્ષજ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે’ એમ લીધું છે. ત્યાં નિર્વિકલ્પ અનુભવ પૂર્વે જૈનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું જાણી અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરે છે-અર્થાત્ એવો નિર્ણય હોય છે એમ બતાવવું છે; પરંતુ તેનાથી અનુભવ થાય છે એમ કહેવું નથી. ભાઈ આત્માનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે. જ્યાં જે વિવક્ષા હોય તે બરાબર જાણવી જોઈએ. અહીં તો એમ કહે છે કે વસ્તુ તો સ્વસંવેદનના બળથી સદા પ્રત્યક્ષ છે અને એમાં અનુમાનગોચર-માત્રપણાનો અભાવ હોવાથી જીવને અલિંગગ્રહણ કહેવામાં આવે છે.
હવે આગળ કહે છે કે-પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે તેથી જીવ ચેતનાગુણવાળો છે. અત્યાર સુધી આત્મામાં આ નથી, આ નથી એમ કહ્યું હતું. પણ હવે તેમાં ‘છે’ શું એની વાત કરે છે. એકલું દેખવું-જાણવું જેનો સ્વભાવ છે એવા ચેતનાગુણવાળો ભગવાન આત્મા છે. આત્મા ચેતના વડે અનુભવાય છે એટલે રાગ વડે અનુભવાતો નથી એ વાત છે, પરંતુ એવા ભેદ વડે અનુભવાય છે એમ કહેવું નથી. અંતર્મુખ થયેલી પર્યાય એમ જાણે છે કે આ ચૈતન્યમય ભગવાન આત્મા હું, બસ. ભગવાન આત્મા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, વ્યક્તપણું આદિરૂપે નથી પણ ચૈતન્યમય, ચેતનાગુણવાળો છે.
હવે કહે છે-કેવો છે ચેતનાગુણ? જે સમસ્ત વિપ્રતિપ્રત્તિઓનો (જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો) નાશ કરનાર છે. જીવ રાગવાળો છે, પુણ્યવાળો છે, વ્યવહારવાળો છે, કર્મવાળો છે, શરીરવાળો છે ઇત્યાદિ અનેક પ્રકારે અન્ય માનવારૂપ ઝઘડાઓનો નાશ કરનાર છે. કષાયની મંદતા હોય તો જણાય, છેલ્લો શુભભાવ તો હોય છે ને? પહેલાં વિકલ્પ તો આવે ને? ઇત્યાદિ અનેક પ્રકારની વિપરીત માન્યતાઓનો નિષેધ કરનાર છે. વળી જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે એવો છે. એટલે કે પરથી ભિન્ન પડી સ્વનો અનુભવ જેણે કર્યો તેને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે કે મારો આત્મા સીધો મારા જ્ઞાનથી જણાય એવો છે, પણ દેવ-ગુરુ-શાસ્ત્રથી કે દિવ્યધ્વનિથી જણાય એમ નથી.