સમયસાર ગાથા પ૦-પપ ] [ ૯૧
જે કાળો, લીલો, પીળો, રાતો અથવા ધોળો વર્ણ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. કાળો, લીલો, પીળો, ઇત્યાદિ વર્ણ છે તે રંગ ગુણની પર્યાયો છે અને તેથી તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે. ભાષા જુઓ. ‘પુદ્ગલના પરિણામ’ એમ ન કહેતાં ‘પુદ્ગલદ્રવ્યના પરિણામમય’ એમ કહ્યું છે. રંગગુણની એ સઘળી પર્યાયો પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. અહીં જીવદ્રવ્યથી ભિન્ન ન કહેતાં, અનુભૂતિ કે જે પર્યાય છે તેનાથી ભિન્ન કહ્યું છે. આશય એમ છે કે ચૈતન્યસ્વભાવી નિજ આત્માનો અનુભવ થતાં, અનુભૂતિમાં આ રંગની પાંચેય પર્યાયોથી હું ભિન્ન છું એવું જ્ઞાન થાય છે. પર્યાય સ્વદ્રવ્ય તરફ વળતાં જે અનુભૂતિ થાય તે અનુભૂતિથી આ રંગની પાંચે પર્યાયો ભિન્ન રહી જાય છે. ૭૩મી ગાથામાં ‘સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ’-એમ અનુભૂતિનું વ્યાખ્યાન છે તે ત્રિકાળી શુદ્ધ અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા સંબંધી છે. તે બીજી વાત છે. અહીં તો એમ લેવું છે કે પરથી ખસીને સ્વદ્રવ્યમાં ઢળતાં જે સ્વાનુભૂતિ થાય છે તે સ્વાનુભૂતિથી રંગની પાંચેય પર્યાયો ભિન્ન છે.
૨. જે સુરભિ અથવા દુરભિ ગંધ છે તે બધીય જીવને નથી. ‘સમયસાર નાટક’માં આવે છે કે મુનિનો શ્વાસ સુગંધમય હોય છે. જેમને ઘણી નિર્મળતા પ્રગટી છે અને જેઓ અતીન્દ્રિય આનંદની મોજમાં પડયા છે તેઓ કોગળા ન કરે તોપણ દાંત પીળા થતા નથી. નિર્મળતાની દશામાં મુનિને શ્વાસમાં પણ સુગંધ આવે છે. અહાહા! ભગવાન નિર્મળાનંદ પ્રભુ જ્યાં જાગીને અંતરનો પટારો (નિધિ) ખોલે છે અને અંદર જુએ છે ત્યાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદ આવે છે અને શ્વાસમાં સુગંધ આવે છે. છતાં તે સુગંધથી આત્મા (મુનિ) ભિન્ન છે. કારણ કે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી સુરભિ અથવા દુરભિ જે ગંધની પર્યાય છે તે અનુભૂતિથી ભિન્ન છે. એટલે કે જ્યારે સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે તે ગંધથી ભિન્ન પડે છે. ભિન્ન છે એમ કયારે કહેવાય? કે જ્યારે ગંધથી ખસીને આત્માની અનુભૂતિમાં આવે ત્યારે ભિન્ન છે એમ યથાર્થપણે કહેવાય.
૩. જે કડવો, કષાયલો, તીખો, ખાટો અથવા મીઠો રસ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે આત્માની અનુભૂતિથી પાંચેય રસ-પર્યાય ભિન્ન છે.
૪. તેવી રીતે જે ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે, હલકો, કોમળ અથવા કઠોર સ્પર્શ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.
પ. હવે પાંચમા બોલમાં ઉપરના ચારેય બોલને ભેગા કરીને કહે છે કે-જે