૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ નિમિત્તમાં છે અને ઉપાદાન (વસ્તુ) ઉપાદાનમાં છે. કોઈપણ સમયે જો નિમિત્તને લઈને ઉપાદાનમાં પરિણમન થાય તો ક્રમપ્રવાહરૂપે ઉપાદાન-વસ્તુ પરિણમે છે એ કયાં રહ્યું? પ્રત્યેક વસ્તુમાં પર્યાયનો ક્રમબદ્ધ પ્રવાહ થાય છે અને તે દોડતો થાય છે. એટલે વચ્ચે એક સમયનો પણ આંતરો પડતો નથી. તે પર્યાયોના પ્રવાહમાં વસ્તુમાં સ્વકાળે જે પર્યાય ઉત્પન્ન થાય ત્યારે નિમિત્ત હો ભલે, પણ તેમાં નિમિત્ત શું (કાર્ય) કરે? નિમિત્ત તો નિમિત્તના સ્વકાળમાં છે; બસ, એટલું જ.
દરેક દ્રવ્યની કાળલબ્ધિ હોય છે. છયે દ્રવ્ય કાળલબ્ધિ સહિત છે. એટલે કે દ્રવ્યની જે સમયે જે પર્યાય થાય છે તે તેની કાળલબ્ધિ છે. તે સમયે નિમિત્ત હો ભલે, પણ નિમિત્તના કારણે પર્યાય થઈ છે એમ નથી. પર્યાય સ્વકાળે પોતાથી જ થાય છે, નિમિત્તથી નહિ-એમ કહેવું તે અનેકાન્ત છે, સ્યાદ્વાદ છે. બે કારણથી કાર્ય થાય છે એમ કહ્યું હોય ત્યાં તો નિમિત્તનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. નિશ્ચયથી તો તે તે સમયનું કાર્ય પોતાથી જ થયું છે. આ નિશ્ચય રાખીને નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહેવાય છે કે બે કારણથી કાર્ય થયું છે, અને ત્યારે પ્રમાણજ્ઞાન થાય છે. પ્રમાણજ્ઞાનમાં, કાર્ય પોતાથી જ થાય છે એ નિશ્ચયની વાત રાખીને, નિમિત્તનું જ્ઞાન કરાવવા નિમિત્તથી થાય છે એમ કહ્યું છે. પ્રમાણજ્ઞાનમાં, નિશ્ચયનો નિષેધ કરીને નિમિત્તથી કાર્ય થાય છે એમ કહ્યું નથી. પ્રમાણજ્ઞાનમાં, જે પરિણમન થાય છે તે નિશ્ચયથી સ્વ-આશ્રયે પોતાથી જ થાય છે એ વાત રાખીને પ્રમાણનું જ્ઞાન કરાવવા નિમિત્તને ભેળવ્યું છે. જો નિશ્ચયને છોડી દે તો પ્રમાણજ્ઞાન જ સાચું ન થાય. નિશ્ચયની વાતને જેમ છે તેમ (યથાર્થ) રાખીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. ઉપાદાનનું યથાર્થ જ્ઞાન કરાવીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે.
નયચક્રમાં આવે છે કે-પ્રમાણ પૂજ્ય નથી પણ નિશ્ચયનય પૂજ્ય છે.
પ્રશ્નઃ– પ્રમાણ કેમ પૂજ્ય નથી?
ઉત્તરઃ– કારણ કે એમાં પર્યાયનો (વ્યવહારનો) નિષેધ થતો નથી. જ્યારે નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ થાય છે.
પ્રશ્નઃ– નિશ્ચયનયમાં તો એક દ્રવ્ય જ માત્ર છે, જ્યારે પ્રમાણજ્ઞાનમાં તો દ્રવ્ય-પર્યાય બન્નેય આવે છે. માટે તે પ્રમાણજ્ઞાન પૂજ્ય કેમ નહિ?
ઉત્તરઃ– કારણ કે નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ છે અને સ્વનો આશ્રય છે. પર્યાયના નિષેધપૂર્વક સ્વનો આશ્રય કરે છે તેથી નિશ્ચયનય પૂજ્ય છે. આવી ખુલ્લી ચોખ્ખી વાત છે. કોઈ બીજા પ્રકારે માને તો માનો, પણ તેથી વસ્તુસ્વરૂપ કાંઈ બદલાઈ જતું નથી.
પ્રશ્નઃ– જો ઉપાદાનથી જ (કાર્ય) થતું હોય તો આપે બોલવાની (પ્રવચન કરવાની) કાંઈ જરૂર નથી. પણ આપ બોલો તો છો? આપ નિમિત્તનો આશ્રય જ્યારે લો છો ત્યારે તો બીજાને સમજાવી શકો છો. માટે નિમિત્ત સિદ્ધ થઈ ગયું.