૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ જ્યારે શરીરાદિથી ભિન્ન પરિણતિ કરે ત્યારે ભિન્ન છે એમ ખ્યાલ આવે ને? તેથી તે શરીરાદિ અનુભૂતિથી ભિન્ન છે એમ અહીં કહ્યું છે.
ઔદારિક શરીર પુદ્ગલમય પરિણામ છે. તેનું ક્ષણે ક્ષણે જે પરિણમન થાય છે તે જડ પુદ્ગલમય છે. તે જીવમય નથી કે જીવના પરિણામમય નથી. અંદર આત્મા છે માટે તે ચાલે છે, પરિણમે છે એમ નથી. તેવી રીતે રાગનું નિમિત્ત છે માટે કાર્મણ શરીરનું પરિણમન થાય છે એમ નથી. રાગ છે માટે તે વખતે કર્મને ચારિત્રમોહપણે પરિણમવું પડે છે એમ નથી. તે વખતે પરમાણુમાં તે રીતે પરિણમવાનો સ્વકાળ છે તેથી તે રીતે તે પરિણમે છે. એમાં રાગની કાંઈ અપેક્ષા નથી. તેમ આહારક ઋદ્ધિધારી મુનિને પ્રશ્ન પૂછવાનો વિકલ્પ આવ્યો માટે આહારક શરીર બન્યું એમ નથી. તે સમયે આહારક શરીરનો પરિણમવાનો કાળ હતો માટે તે આહારક શરીર બન્યું છે. જીવે તેને બનાવ્યું એમ કહેવું એ બધી (વ્યવહારની) વાતો છે.
વૈક્રિયક શરીર અનેક રૂપ ધારણ કરે છે. તે વૈક્રિયક શરીરના પરમાણુઓની પર્યાય પુદ્ગલમય છે. જીવની ઇચ્છા છે માટે તે અનેક રૂપ ધારણ કરે છે એમ નથી. જે તે ક્ષણે જે રૂપે પરિણમવાનો તેનો સ્વકાળ છે તે રૂપે તે સ્વયં પરિણમે છે. આ પ્રમાણે ઔદારિક, વૈક્રિયક, આહારક, તૈજસ અને કાર્મણ શરીર-બધાય જીવને નથી, કારણ કે તે પુદ્ગલ-દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. નિજ શુદ્ધ પરમાત્માની અનુભૂતિમાં તેઓ ભિન્ન ભાસે છે તેથી તે જીવને નથી. પરથી ભિન્ન પડીને જ્યારે આત્માનુભૂતિ કરે છે ત્યારે તે અનુભૂતિથી શરીરના પરિણામ તદ્ન ભિન્ન રહી જાય છે.
જુઓ, ઔદારિક, વૈક્રિયક, આદિ શરીર (શરીરપણે) છે ખરાં, પણ તે બધાંય જીવને નથી. જીવ તો શરીર વિનાનો ચૈતન્યરૂપે ત્રિકાળ છે. વિશ્વમાં વસ્તુઓ અનંત છે. જે અનંત છે તે અનંતપણે કયારે રહે? કે જ્યારે એકબીજાના કાર્યને કરે નહિ ત્યારે. એકબીજામાં ભળે નહિ તો અનંત અનંતપણે રહે. જો એકથી બીજાનું કાર્ય થાય તો પૃથક્પણે અનંત વસ્તુ રહે નહીં. જો દરેક વસ્તુની પરિણતિ પોતાથી થાય અને બીજાથી ન થાય એમ રહે તો જ અનંત વસ્તુઓની અનંતપણે હયાતી સિદ્ધ થાય. તેથી જીવ અને ઔદારિક આદિ શરીર જેમ છે તેમ પૃથક્ પૃથક્ સમજવાં જોઈએ.
૭. સમચતુરસ્ત્ર્રસંસ્થાન જે શરીરનો આકાર છે તે પણ પુદ્ગલમય પરિણામ છે. તે તેના પોતાના કારણે થાય છે. નામકર્મનો ઉદ્રય નિમિત્ત છે માટે થાય છે એમ નથી. અહા! ગજબ વાત છે! અંદર પુણ્યનો ઉદ્રય છે માટે પૈસા આવે છે એમ નથી, કારણ કે ઉદયના પરિણામ ભિન્ન છે અને જે પૈસા આવે છે એની પરિણતિ ભિન્ન છે. માટે કર્મને લઈને પૈસા આવે છે એ વાત યથાર્થ નથી. સાતાના ઉદ્રયને લઈને અનુકૂળ સંજોગો મળે છે એમ કહેવું એ પણ કથનમાત્ર છે, વસ્તુસ્વરૂપ એમ નથી. તેવી રીતે અસાતાના ઉદ્રયને