સમયસાર ગાથા પ૦-પપ ] [ ૯૭ લઈને શરીરમાં રોગ થાય છે તે પણ નિમિત્તનું કથન છે. બાકી તો શરીરના પરમાણુઓને રોગરૂપે પરિણમવાનો કાળ હોવાથી રોગરૂપે પરિણમે છે. સમચતુરસ્ત્ર સંસ્થાનની જેમ ન્યગ્રોધપરિમંડળ, સ્વાતિ, કુબ્જક, વામન અથવા હુંડક સંસ્થાન-તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. આ શરીરનો જે આકાર છે તે બધો જડનો આકાર છે, પુદ્ગલના પરિણામમય છે. આત્માને લઈને તેમાં કાંઈ થાય છે એમ તો નથી, પણ પૂર્વે જે શુભાશુભભાવ કરેલા ત્યારે જે કર્મ બંધાયાં હતાં તે કર્મને લઈને એમાં કાંઈ થાય છે એમ પણ નથી.
૮. હવે સંહનનની-હાડકાંની મજબૂતાઈની વાત કરે છે. વજ્રર્ષભનારાચ સંહનન વિના કેવળજ્ઞાન ન થાય એમ આવે છે ને? ભાઈ, નિશ્ચયથી તો કેવળજ્ઞાનની પર્યાય પોતાના કારણે થાય છે, દ્રવ્યના તથા ગુણના કારણે થાય છે એમ પણ નથી. તે પર્યાયનું પરિણમન, પોતાના ષટ્કારકથી તે રૂપે પરિણમવાનો કાળ છે તેથી થાય છે, વજ્રર્ષભનારાચ સંહનન નિમિત્ત છે માટે કેવળજ્ઞાન થાય છે એમ નથી. સ્ત્રીને ત્રણ સંહનન હોય છે, અને તેથી તેને કેવળજ્ઞાન થાય નહીં એમ શાસ્ત્રમાં આવે છે. એ તો સ્ત્રી પર્યાયમાં કેવળજ્ઞાન થવાની યોગ્યતા નથી તેથી થતું નથી ત્યારે નિમિત્ત કેવું હોય છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. સ્ત્રીનું શરીર છે માટે સાધુપણું આવતું નથી એમ નથી. પરંતુ સ્ત્રીનો દેહ હોય તેને આત્માની પરિણતિનું છઠ્ઠું ગુણસ્થાન આવે એવી યોગ્યતા જ હોતી નથી એમ નિમિત્તનું ત્યાં યથાર્થ જ્ઞાન કરાવ્યું છે.
જેને પૂર્ણજ્ઞાન થવાનું છે તેના શરીરની દશા નગ્ન જ હોય છે. વસ્ત્ર હોય અને મુનિપણું આવે તથા વસ્ત્ર સહિતને કેવળજ્ઞાન થાય એ વસ્તુનું સ્વરૂપ જ નથી. છતાં પરદ્રવ્ય છે માટે કેવળજ્ઞાન નથી એમ નથી. ભારે વિચિત્ર! એક બાજુ એમ કહે કે વસ્ત્ર સહિતને મુનિપણું આવે નહીં અને વળી પાછું એમ કહે કે પરદ્રવ્ય નુકશાન કરે નહિ! ભાઈ, મુનિપણાની દશા છે તે સંવર-નિર્જરાની દશા છે. હવે જે સંવર-નિર્જરાની દશા છે તે કાળમાં વિકલ્પની એટલી જ મર્યાદા છે કે તેમાં વસ્ત્રાદિગ્રહણનો (હીન) વિકલ્પ હોઈ શકે નહીં. તેથી જેને વસ્ત્ર-ગ્રહણનો વિકલ્પ છે તેને તે ભૂમિકામાં મુનિપણું સંભવિત નથી. તેથી જે કોઈ વસ્ત્ર સહિત મુનિપણું માને છે તેને આસ્રવસહિત સાતેય તત્ત્વની ભૂલ છે. તેથી તો શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે વસ્ત્રનો ધાગો પણ રાખીને જો કોઈ મુનિપણું માને કે મનાવે તો તે નિગોદમાં જાય છે. (અષ્ટપાહુડ) અહીં કહે છે કે સંહનનમાત્ર જીવને નથી. જે વજ્રર્ષભનારાચ, વજ્રનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા, અથવા અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.