Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 616 of 4199

 

૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩

૯. હવે રાગની વાત કરે છે. જે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભરાગ છે-તે બધોય જીવને નથી, કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે અને તેથી અનુભૂતિથી ભિન્ન છે. આકરી વાત, ભાઈ! અહીં કહે છે કે જે મહાવ્રતના પરિણામ છે તે પુદ્ગલના પરિણામ છે. સ્વભાવમાં તો એવો કોઈ ગુણ નથી જે રાગરૂપે પરિણમે. છતાં પર્યાયમાં જે રાગ થાય છે તે નિમિત્તને આધીન થતાં થાય છે. માટે જે રાગ થાય છે તેને પુદ્ગલના પરિણામમય કહ્યો છે. જુઓ, વ્યવહારરત્નત્રયના ભાવને પણ પુદ્ગલના પરિણામ કહ્યા છે. માટે જે વ્યવહારરત્નત્રયથી નિર્જરા થવી માને છે તે અચેતન પુદ્ગલથી ચૈતન્યભાવ થવો માને છે. પણ એ ભૂલ છે.

ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ જ્ઞાનપુંજી પ્રભુ આનંદનો કંદ છે પ્રીતિરૂપ રાગ સઘળોય તેને નથી કેમ કે તે પુદ્ગલના પરિણામમય છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્યના અંતરમાં ઢળેલી પર્યાય જે અનુભૂતિ તે અનુભૂતિથી રાગ ભિન્ન રહી જાય છે. અહાહા....! ત્રિકાળી શુદ્ધ ઉપાદાનમાં નિમગ્ન થયેલી અનુભૂતિથી રાગ સઘળોય ભિન્ન રહી જાય છે. ભાઈ! જેને પ્રીતિરૂપ રાગનો પ્રેમ છે, મંદ રાગનો પ્રેમ છે તેને ખરેખર પુદ્ગલનો પ્રેમ છે, તેને આનંદનો નાથ ભગવાન આત્માનો પ્રેમ નથી. જેને શુભરાગનો પ્રેમ છે તે આત્માના પડખે ચડયો જ નથી. તેને આત્મા પ્રત્યે અનાદર છે. અહીં કહે છે કે સ્વદ્રવ્યના આશ્રયે જે નિર્મળ અનુભૂતિ પ્રગટ થાય છે તે અનુભૂતિથી શુભાશુભ સઘળોય રાગ પર તરીકે ભિન્ન રહી જાય છે તેથી રાગ બધોય જીવને નથી.

પ્રશ્નઃ– રાગને પુદ્ગલ પરિણામમય કેમ કહ્યો? શાસ્ત્રમાં તો એમ આવે છે કે જીવને દસમા ગુણસ્થાન સુધી રાગ હોય છે?

ઉત્તરઃ– ભાઈ! રાગ છે તે વસ્તુદ્રષ્ટિથી જોતાં સ્વભાવભૂત નથી. રાગમાં ચૈતન્યના નૂરનો અંશ નથી. આત્મા ચિન્માત્રસ્વરૂપ ભગવાન અનંતશક્તિથી મંડિત મહિમાવંત પદાર્થ છે, પણ તેમાં એકેય શક્તિ એવી નથી જે રાગ ઉત્પન્ન કરે, વિકારરૂપે પરિણમે. છતાં પર્યાયમાં જે રાગ થાય છે તે પર્યાયનો ધર્મ છે. નિમિત્તને આધીન થઈ પરિણમતાં પર્યાયમાં રાગ થાય છે. (સ્વભાવને આધીન થતાં રાગ થતો નથી). તથા તે સ્વાનુભૂતિથી ભિન્ન પડી જાય છે. માટે અસંખ્યાત પ્રકારે થતો સઘળોય શુભાશુભ રાગ, જીવસ્વભાવરૂપ નહિ હોવાથી તથા અનુભૂતિથી ભિન્ન પડી જતો હોવાથી નિશ્ચયથી પુદ્ગલ પરિણામમય કહ્યો છે. જોકે અશુદ્ધ નિશ્ચયથી રાગને જીવની પર્યાય કહી છે, પરંતુ અશુદ્ધ નિશ્ચય છે એ જ વ્યવહારનય છે. પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવા સિદ્ધાંતમાં અશુદ્ધનિશ્ચયનયથી એટલે કે અસદ્ભૂત વ્યવહારનયથી દસમા ગુણસ્થાન સુધી જીવને રાગ હોય છે એમ કહ્યું છે. વાસ્તવમાં રાગ પરરૂપ અચેતન જડ પુદ્ગલ- પરિણામમય છે. રાગ જો જીવનો હોય તો કદીય જીવથી ભિન્ન પડે નહિ તથા જીવની જે (રાગ રહિત) નિર્મળ અનુભૂતિ