સમયસાર ગાથા પ૦ થી પપ ] [ ૧૧૭ ને! આત્મા તો સદા ભગવાનસ્વરૂપે જ, પરમાત્મસ્વરૂપે જ છે. ભાઈ! સિદ્ધના સ્વરૂપમાં અને તારા સ્વરૂપમાં શું ફેર છે? જે જિનનું સ્વરૂપ છે તે જ આત્માનું સ્વરૂપ છે. વર્તમાનમાં જ પરમાત્મસ્વભાવ તારો છે. માટે તેમાં દ્રષ્ટિ દે તો તારું કલ્યાણ થશે, તને આત્માની પ્રાપ્તિ થશે. પરમાત્મસ્વભાવ ઉપર દ્રષ્ટિ દે તો તને પરમાત્માની દ્રષ્ટિ પ્રાપ્ત થશે.
દ્રષ્ટિની પર્યાય છે તો ક્ષણિક, પરંતુ તે પર્યાયમાં ત્રિકાળી ભગવાનનો સ્વીકાર થતાં પર્યાયમાં પરમાત્મા જણાય છે. ૧૧મી ગાથામાં લીધું છે કે ભૂતાર્થનો આશ્રય કરતાં સમકિત થાય છે. વસ્તુ ત્રિકાળી શુદ્ધ ભગવાન છે તે તરફ દ્રષ્ટિ ઢળતાં, તે સમ્યક્ થાય છે અને તે નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિની પર્યાયથી આત્મા પ્રાપ્ત થાય છે. નિર્વિકાર સમાધિથી આત્મા પ્રાપ્ત થાય છે. પરંતુ વ્યવહારના વિકલ્પથી આત્મા પ્રાપ્ત થતો નથી. વ્યવહાર હો ભલે, પણ તે કાંઈ નિશ્ચયમાં મદદ કરે છે એમ નથી. તેમ નિમિત્ત હો ભલે, પણ તે પરમાણુ કે જીવની તે તે કાળે ઉત્પન્ન થતી પર્યાયને કાંઈ સહાય કરે છે એમ નથી.
પ્રશ્નઃ– નિમિત્ત સહકારી છે એમ આવે છે ને?
ઉત્તરઃ– નિમિત્ત સહકારી છે એટલે કે સાથે (સમકાળે) છે એટલું જ. તે સાથે છે એટલે સહકારી કહ્યું, કાંઈ સહાય-મદદ કરે છે માટે સહકારી છે એમ નથી. જો નિમિત્ત કાર્યમાં સહાય (મદદ) કરતું હોય તો ધર્માસ્તિકાય તો અનાદિથી પડયું છે. તેથી ગતિ નિરંતર થવી જ જોઈએ. પણ એમ નથી. જીવ સ્વયં ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત છે, નહીંતર નહિ. ગતિના કાળે જેમ ધર્માસ્તિકાય નિમિત્ત છે તેમ (ગતિ પૂર્વક) સ્થિરતાના કાળે અધર્માસ્તિકાય નિમિત્ત છે. આનો અર્થ શું થયો? ગતિ કરે છે ત્યારે પણ અધર્માસ્તિકાય તો મોજુદ છે જ. તો પછી તે નિમિત્ત કેમ ન થયું? ભાઈ! એનો અર્થ એટલો જ છે કે પરિણમનસ્વભાવી જીવ અને પુદ્ગલોને જ્યારે તે સ્વયં સ્વતંત્ર ગતિરૂપ પરિણમન કરે ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત થાય છે અને જ્યારે ગતિ કરતાં સ્વયં રોકાઈ જાય છે ત્યારે અધર્માસ્તિકાય નિમિત્ત થાય છે. વસ્તુનું સ્વરૂપ આવું છે, ભાઈ.
અહીં કહે છે કે જ્ઞાનના ભેદ પાડવા તે પુદ્ગલના પરિણામ છે. ભગવાન આત્મા અભેદ એકરૂપ ચૈતન્યવસ્તુ છે. તેમાં જ્ઞાનના ભેદોનું લક્ષ કરતાં રાગ જ ઉત્પન્ન થાય છે અને રાગ છે તે પુદ્ગલદ્રવ્યના પરિણામ છે. નિયમસાર શુદ્ધભાવ અધિકારમાં (ગાથા ૪૨માં) આ જ્ઞાનના ભેદો જે માર્ગણાસ્થાનો છે તેને ‘વિકલ્પલક્ષણાનિ’ કહ્યા છે. ભેદનું સ્વરૂપ જ વિકલ્પલક્ષણ છે. ગતિ, ઇન્દ્રિય, આદિ ભેદસ્વરૂપ જે ચૌદ માર્ગણાસ્થાનો છે તે બધાંય જીવને નથી. જીવ કહો કે શુદ્ધભાવ કહો, બન્ને એક જ છે. નિયમસારમાં ત્રિકાળ શુદ્ધ ભાવને જીવ કહ્યો છે અને અહીં જીવને ત્રિકાળ શુદ્ધભાવ કહ્યો છે. આ માર્ગણાસ્થાનો ‘વિકલ્પલક્ષણાનિ’ એટલે કે ભેદસ્વરૂપ જેનું લક્ષણ છે એવા છે. તેથી તે જીવનું