સમયસાર ગાથા-પ૬ ] [ ૧૩૧
વ્યવહારનય પર્યાયાશ્રિત છે. એટલે કે પર્યાયના આશ્રયે વ્યવહારનય હોય છે. જેમ સફેદ રૂનું બનેલું વસ્ત્ર સફેદ જ છે, પરંતુ કસુંબા વડે રંગાયેલું તે (લાલ) રંગસહિત છે. (લાલ) રંગ છે તે જેમ વસ્ત્રનો ઔપાધિક ભાવ છે, તેમ અનાદિકાળથી પુદ્ગલના સંયોગવશે જીવને બંધપર્યાય પ્રસિદ્ધ છે, તે જીવનો ઔપાધિક ભાવ છે. જીવ તો ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. પરંતુ અનાદિકાળથી કર્મ પુદ્ગલના સંયોગવશે તેને બંધ પર્યાય છે, રાગાદિ સહિત અવસ્થા છે. એ જીવનો ઔપાધિક ભાવ છે. આવા ઔપાધિકભાવને અવલંબીને પ્રવર્તતો વ્યવહારનય, બીજાના ભાવને બીજાનો કહે છે. જેમકે-સફેદ વસ્ત્ર કસુંબાના રંગે રંગાયું હોય ત્યારે રંગ તે વસ્ત્રનો ઔપાધિકભાવ છે, તે ભાવ બીજાનો (કસુંબાનો) છે છતાં વ્યવહારનય તે ભાવને- વસ્ત્રનો ભાવ છે-એમ કહે છે. તેમ જીવ તો શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે અને આ વર્ણાદિ ભાવો છે તે ઔપાધિક ભાવ છે અને તે બીજાના-અજીવના છે. છતાં વ્યવહારનય, તે વર્ણાદિભાવને જીવના ભાવ કહે છે. આ પ્રમાણે ઔપાધિકભાવને અવલંબીને પ્રવર્તતો વ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે.
જ્યારે નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે છે. જોયું? પહેલાં વ્યવહારનયને પર્યાયાશ્રિત કહ્યો હતો, અને હવે નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે-ત્રિકાળી વસ્તુના આશ્રયે છે એમ કહ્યું. અર્થાત્ નિશ્ચયનય, કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તે છે એમ કહ્યું. ત્રિકાળી જ્ઞાયકભાવ તે જીવનો કેવળ એક સ્વભાવભાવ છે. આવા જીવના કેવળ એક સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો હોવાથી નિશ્ચયનય, બીજાના ભાવને જરાપણ બીજાનો કહેતો નથી. નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે પ્રવર્તતો હોવાથી ઔપાધિકભાવનો નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન સુધીના જે ભાવો છે તે બધાય વ્યવહારનયથી તો જીવના છે, પરંતુ નિશ્ચયથી તેઓ જીવને નથી. આવું ભગવાનનું જે સ્યાદ્વાદયુક્ત કથન છે તે યોગ્ય છે.
પ્રશ્નઃ– બે નય છે તો બન્ને આદરવા જોઈએ ને?
ઉત્તરઃ– ના, એમ નથી. વ્યવહારનય જાણવા લાયક છે. જ્યારે નિશ્ચયનય આદરવા લાયક છે.
(પહેલાં ૨૯ બોલ દ્વારા કહ્યા તે) વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે બધાય પર્યાય અપેક્ષાએ વ્યવહારથી જીવના છે. છતાં વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી જોતાં નિશ્ચયથી તે જીવમાં નથી. આનું નામ સ્યાદ્વાદ છે. ‘इति युक्ता प्रज्ञप्तिः’ એમ પાઠમાં છે ને? એટલે કે વ્યવહારથી (પર્યાયમાં) છે, પરંતુ નિશ્ચયથી જીવવસ્તુમાં નથી એવું વીતરાગનું (સ્યાદ્વાદવાળું) કથન છે તે યોગ્ય છે, બરાબર છે, યથાર્થ છે.