Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 65 of 4199

 

પ૮ [ સમયસાર પ્રવચન

આ વસ્તુના એકત્વમાં બીજાની સાથે અર્થાત્ કર્મના નિમિત્તથી થતા વિકારો- દયા દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ શુભ કે હિંસા, જૂઠ આદિ અશુભભાવ-સાથે એકત્વપણાની બંધકથા-બંધભાવ વિસંવાદ ઊભો કરે છે, તેથી તે અસત્ય છે. અબંધસ્વભાવી ભગવાન આત્માની સાથે બંધભાવનું એકત્વ તે અસત્ય છે, દુઃખ ઉત્પન્ન કરનારું છે તેથી અસુંદર છે એમ કહે છે. દ્રવ્યના એકપણામાં જે સ્વગુણપર્યાયરૂપ સ્વભાવપરિણમન કહ્યું છે એમાં કર્મના નિમિત્તથી જે અશુદ્ધ પરિણમન થાય તે પરસમયપણું છે, તે અસત્ય છે અને બાધા-આપત્તિ ઉત્પન્ન કરનારું છે.

આત્મા પોતાના સ્વભાવગુણપર્યાયપણે પરિણમે છે સ્વસમય અર્થાત્ એકત્વનિશ્ચયગત તે સ્વસમય છે. અને વિભાવપણે પરિણમે અર્થાત્ કર્મપુદ્ગલના પ્રદેશોમાં (સ્થિત થઈ) પરિણમે તે પરસમય છે. પરસમયપણું એ દ્વિવિધપણું ઉત્પન્ન કરે છે. સ્વસમય અને પરસમય એ બેમાં પરસ્પર વિરોધ છે. સ્વસમયનું પરિણમન છે તેમાં વિભાવનું પરિણમન થવું તે વિરોધ છે, કેમકે તેમાં સ્વનિશ્ચયગત રહ્યો નહીં. ધ્રુવપણે (સુંદર) રહ્યો, પણ પરિણમનમાં સ્વગુણપર્યાયપણે (સુંદર) રહ્યો નહીં, અને વિકારરૂપ (વિરોધરૂપ) પરિણમન થઈ ગયું. પુદ્ગલકર્મના નિમિત્તે થતા વિકારી પરિણમનમાં દ્વિવિધપણું -બાધાપણું બતાવ્યું, પોતાના સ્વભાવમાં સ્થિતિ થતાં સ્વસમયપણું -સુંદરપણું કહ્યું.

પ્રવચન નંબર ૮–૧૦, તારીખ ૬–૧૨–૭પ થી ૮–૧૨–૭પ

*ગાથાર્થ ઉપરનું પ્રવચન *

એકત્વનિશ્ચિયને પ્રાપ્ત જે સમય નામનો પદાર્થ છે તે પોતાના ગુણપર્યાયપણે પરિણમે-અભેદ-રત્નત્રયપણે પરિણમે તે લોકમાં બધે સુંદર છે. દ્રવ્યાર્થિકનયનો વિષય એવો જે ધ્રુવ આત્મા તેના લક્ષે જે પરિણમન થયું તે પર્યાય છે, તેને અહીં આત્મા કહેવામાં આવ્યો છે. અહીં સ્વપર્યાયરૂપ પરિણમનને આત્મા કહ્યો છે. સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળી, ધ્રુવ આત્મા એની અહીં વાત નથી. એકત્વનિશ્ચયગત કહેતાં દ્રવ્ય જે પોતે ધ્રુવ તેમાં એકત્વ પણે પરિણમે અર્થાત્ પોતાના સ્વગુણપર્યાયપણે પરિણમે તેને સ્વસમય કહેવામાં આવ્યો છે અને તે લોકમાં સર્વત્ર સુંદર છે.

પરના સંબંધથી પરિણમન થાય તે બાધારૂપ છે. તે સત્ય નથી. જયસેનાચાર્યદેવે તેને અસત્યાર્થ કહ્યું છે. એકત્વમાં બીજા સાથેના સંબંધની કથા વિસંવાદિની છે, વિરોધ ઉત્પન્ન કરનારી છે. વસ્તુ પોતે ધ્રુવ આત્મા છે. તેના આશ્રયે શુદ્ધ ગુણપર્યાયપણે પરિણમે તે સ્વસમય છે. આવું સ્વસમયનું પરિણમન છોડીને નિમિત્તાધીન થઈ પરિણમે તે દ્વિવિધવિરોધપણું ઉત્પન્ન કરનારું છે.