આ ગાથા ગંભીર છે, ભાઈ? જયસેન આચાર્યદેવની ટીકામાં ‘એકત્વ- નિશ્ચયગત’ના ત્રણ અર્થ કર્યા છે. (૧) એકેન્દ્રિયાદિ બધા પદાર્થોમાં (જીવ) દ્રવ્ય છે તે સુંદર છે. (૨) એકત્વનિશ્ચયગત એટલે પોતાના સ્વગુણની પર્યાયપણે પરિણમે તે સુંદર છે. (અહીં બીજા બોલમાં વિકારી અને અવિકારી બધી પર્યાયોપણે પરિણમે તેની વાત છે). (૩) એકત્વનિશ્ચયગત કહેતાં અભેદરત્નત્રયપણે શુદ્ધ પરિણમે તે સુંદર છે, સત્ય છે.
એકેન્દ્રિયાદિમાં દ્રવ્ય છે તે સુંદર જ છે, પણ તે બેસે કોને? કહે છે કે જેને અભેદરત્નત્રયનું પરિણમન થયું છે એવા જ્ઞાનીને બધા સુંદર છે એમ બેસે છે. અજ્ઞાનીને ક્યાં ખબર છે? અહીં ‘સમય’માં ભેદ પાડવા નથી, પણ ‘સ્વસમય’ અને ‘પરસમય’ એમ પરિણતિના બે ભેદ પડે છે. ‘સમય’ તો સમય જ છે. પોતાના ધ્રુવ આત્માની સાથે એકત્વપણે પરિણમન થાય તે ‘સ્વસમય’ છે, અને ધ્રુવ સાથે એકત્વપણું છોડી રાગ સાથે એકત્વપણે પરિણમે તે ‘પરસમય’ છે. આ બેપણું જ અસત્ય છે. (યથાર્થ દ્રષ્ટિથી) એમાં બેપણું કેમ હોઈ શકે?
ઘણી ઊંડી ચીજ છે, ભાઈ! ધ્યેય તો જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એ જ છે, તેમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ એ ધ્રુવ સાથે એકત્વ થઈને શુદ્ધ પરિણમે તે ‘સ્વસમય’ અને ધ્રુવને છોડી દઈ રાગ-વિકારને આધીન થઈ મિથ્યા પરિણમે તે ‘પરસમય’ છે. તે દ્વિવિધપણું છે, તે વિરોધ છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે નિશ્ચય અને તેના લક્ષે જે શુદ્ધ પરિણમન થયું તે વ્યવહાર-સદ્ભૂત વ્યવહાર. આ સદ્ભૂત પરિણમન જે છે તે સમય- આત્મા એમ અહીં કહ્યું છે. કર્તા-કર્મ અધિકાર, ગાથા ૭૧ (ટીકા) માં આ વાત લીધી છે. ત્યાં કહ્યું છે-“આ જગતમાં વસ્તુ છે તે (પોતાના) સ્વભાવમાત્ર જ છે, અને ‘સ્વ’નું ભવન તે સ્વ-ભાવ છે; માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે અને ક્રોઘાદિનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે.” જુઓ, વસ્તુ તો ત્રિકાળ ધ્રુવ છે, પરંતુ પરના કર્તાપણાથી-વિભાવથી જુદું બતાવી જે વસ્તુનું સ્વભાવરૂપ પરિણમન તેને અહીં આત્મા કહ્યો છે.
કર્મના નિમિત્તથી રાગાદિનું પરિણમન થાય તે આત્મા નહીં એમ સિદ્ધ કર્યું છે. દયા, દાન, વ્રત, આદિના વિકલ્પપણે પરિણમવું તે જીવનું પરિણમન નથી. ધ્રુવને ધ્યેય બનાવી, નિર્મળપણે પરિણમે તે ‘સ્વ-આત્મા’ અને કર્મસંબંધે વિકારપણે પરિણમે તે ‘પર-આત્મા’. સ્વભાવપણે પરિણમવું તે જીવનું કર્મ છે, વિભાવપણે પરિણમવું તે જીવનું કર્મ નહીં, તે બાધા છે, આપત્તિ છે.
નિયમસાર ગાથા પ૦ માં એમ કહ્યું છે કે નિર્મળ પર્યાય પણ પરદ્રવ્ય છે. મૂળ ગાથામાં આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવે સ્વયં આમ કહ્યું છે. વિકારી પર્યાય તો પરદ્રવ્ય છે, પણ