Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 67 of 4199

 

૬૦ [ સમયસાર પ્રવચન

નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય કહેવામાં આવી છે. મોક્ષમાર્ગની જે નિર્મળ પર્યાય પ્રગટી તે પરદ્રવ્ય છે. પર્યાય છે ને? તેથી તે પરદ્રવ્ય કહી છે. ત્યાં દ્રષ્ટિનું ધ્યેય એકમાત્ર ધ્રુવ દ્રવ્ય બતાવવું છે એટલે નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી દીધી છે; તે સ્વદ્રવ્ય નહીં, કારણ કે નિર્મળ પર્યાય પણ આશ્રય કરવા લાયક નથી. સમ્યગ્દર્શનનો વિષય તો એકલો ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ ત્રિકાળી છે. તેમાં નિર્મલ પર્યાયને પણ સાથે ભેળવે તો દ્રષ્ટિ એકદમ વિપરીત થઈ જાય. મોક્ષમાર્ગની પર્યાયને પરદ્રવ્ય કહી, કેમકે તેમાંથી નવી પર્યાય આવતી નથી. જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી, એમ મોક્ષમાર્ગની પર્યાયમાંથી પણ બીજી નવી પર્યાય આવતી નથી. આ અપેક્ષાએ નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી છે. છતાં અહીં તો પરિણમનની અપેક્ષા છે એટલે નિર્મળ પર્યાયને સ્વ- આત્મા, સ્વસમય કહેલ છે.

અહા! શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે મેં જિનેશ્વરદેવના ઉપદેશને બરાબર જાણીને પૂર્વાપર વિરોધ રહિત જે છે તે વાત અહીં મૂકી છે. અહીં એક વાત અને બીજે બીજી એમ વિરોધ નથી. અપેક્ષાથી સમજે તો સમજાય અને વિરોધ રહે નહીં એવી વાત છે.

નિયમસારના ટીકાકાર પદ્મપ્રભમલધારિદેવે ત્યાં એમ કહ્યું છે કે જે આ ટીકા થઈ એનો કરનારો હું નથી. ગણધરોથી રચાયેલી ટીકા એના કરનારા અમે તે મંદબુદ્ધિ કોણ? તેથી ખરેખર આ ટીકા તો ગણધરદેવથી ચાલી આવે છે. એમાં કહ્યું છે કે કારણ પરમાત્મા-જે ધ્રુવ વસ્તુ છે તે એક જ મોક્ષમાર્ગનો હેતુ છે. તેની જે મોક્ષમાર્ગરૂપ નિર્મળ પર્યાય પ્રગટી તે પરદ્રવ્ય છે. પર્યાય છે માટે પરદ્રવ્ય છે. દ્રષ્ટિના વિષયમાં પર્યાયને નાખે તે તો મહા વિપરીત દ્રષ્ટિ થઈ જાય છે.

અહાહા...! શું શાસ્ત્રો છે! સમયસાર, નિયમસારમાં ગજબ વાતો કરી છે. ભાઈ, ભગવાનની ગાદીએ બેસીને જે વાત ચાલે ત્યારે તો ભગવાન કહે છે એમ અંદરથી આવે છે. નિયમસારમાં દ્રષ્ટિનો વિષય જે ધ્રુવદ્રવ્ય તેની અપેક્ષાએ નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી, અને અહીં સમયસારમાં પરિણમન અપેક્ષાએ નિર્મળ પર્યાયને સ્વ-આત્મા કહ્યો.

*ટીકા ઉપરનું પ્રવચન *

અહીં ‘સમય’ શબ્દથી સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે, કારણ કે વ્યુત્પત્તિ પ્રમાણે ‘समयते’ એટલે એકીભાવે પોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે. તેથી ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ-જીવદ્રવ્યસ્વરૂપ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે કારણ કે અન્ય પ્રકારે તેમાં સંકર, વ્યતિકર આદિ સર્વ દોષો આવી પડે.