Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 651 of 4199

 

સમયસાર ગાથા-પ૭ ] [ ૧૩૩

* શ્રી સમયસાર ગાથા–પ૭ મથાળું *

હવે વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી? એ રંગ, ગંધ અને ગુણસ્થાન આદિ નિશ્ચયથી કેમ જીવના નથી તેનું કારણ કહો. તે પ્રશ્નનો ઉત્તર કહે છેઃ-

* ગાથા પ૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

જેમ-જળમિશ્રિત દૂધનો, જળ સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ છે. એટલે કે પાણીમાં દૂધ અને દૂધમાં પાણી એમ પરસ્પર ભેગા રહેવાનો અવગાહરૂપ સંબંધ છે. છતાં સ્વલક્ષણભૂત જે દૂધપણું-ગુણ તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ, જળથી અધિકપણે પ્રતીત થાય છે. દૂધનું સ્વલક્ષણ દૂધપણું જે ગુણ છે તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ, જળથી ભિન્ન પ્રતીતમાં આવે છે એમ કહે છે. અધિક એટલે જુદું, ભિન્ન. તેથી જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેવો જળ સાથે દૂધનો સંબંધ નથી. જળને તથા દૂધને પરસ્પર અવગાહસંબંધ છે, પણ અગ્નિ-ઉષ્ણતાની જેમ તાદાત્મ્યસ્વરૂપ સંબંધ નથી. માટે નિશ્ચયથી જળ, દૂધનું નથી.

તેવી રીતે-આત્મા અને રંગ-ગંધ આદિ પુદ્ગલ, રાગ-દ્વેષાદિ વિકાર તથા ગુણસ્થાન આદિ ભેદ-ને પરસ્પર એકબીજાને અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વથી અધિક એટલે જુદો પ્રતીતિ થાય છે. ભગવાન આત્મા જાણન-દેખનરૂપ ઉપયોગગુણ વડે બીજાથી અધિક એટલે જુદો છે. જેમ દૂધપણા વડે દૂધ, જળથી ભિન્ન છે તેમ ઉપયોગગુણ વડે આત્મા સર્વ અન્યભાવોથી ભિન્ન છે. જેમ અગ્નિ અને ઉષ્ણતાનો તાદાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેમ ભગવાન આત્માને વર્ણથી માંડી ગુણસ્થાનાંત ભાવો સાથે તાદાત્મ્યસ્વરૂપ સંબંધ નથી. બન્ને વચ્ચે અવગાહ સંબંધ છે, પણ તાદાત્મ્ય સંબંધ નથી. માટે નિશ્ચયથી વર્ણથી માંડી ગુણસ્થાન પર્યંતના ભાવો, આત્માના નથી. જાણવું, જાણવું, જાણવું એવો જે જીવનો સ્વભાવ છે તે વડે જીવ રાગ, દ્વેષ તથા ગુણસ્થાન આદિ ભેદના ભાવોથી ભિન્ન છે. અહાહા! ઉપયોગરૂપ જે ત્રિકાળી સ્વભાવ છે તેનું પર્યાયમાં લક્ષ થતાં, ઉપયોગ વડે તે પરથી જુદો પડે છે.

નિશ્ચયથી ત્રિકાળ ઉપયોગ અર્થાત્ જ્ઞાનગુણ તે જીવનું સ્વભાવભૂત લક્ષણ છે. ગાથા ૩૧માં આવી ગયું છે કે-જ્ઞાનસ્વભાવ વડે આત્મા અધિક છે. પરંતુ ત્રિકાળ જ્ઞાનસ્વભાવ વડે તે પરથી જુદો છે એનો નિર્ણય કોણ કરે છે? સ્વભાવ તરફ ઢળેલી પર્યાય એમ નિર્ણય કરે છે કે આ આત્મા જ્ઞાનગુણ વડે પરથી અધિક-જુદો છે. ત્રિકાળી જીવનું લક્ષણ ત્રિકાળ ઉપયોગ છે, પણ ઉપયોગલક્ષણ જીવ છે એમ જાણે છે કોણ? ત્રિકાળ ઉપયોગ કાંઈ ન જાણે. (એ તો અક્રિય છે). પરંતુ એમાં ઢળેલી પર્યાય જાણે છે કે ઉપયોગલક્ષણ જીવ છે. અહાહા! આ તો દ્રવ્ય-ગુણ અને પર્યાયની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે.