સમયસાર ગાથા ૬૩-૬૪ ] [ ૧૬૩
જેનો અભિપ્રાય છે, તેના મતમાં સંસાર-અવસ્થા વખતે તે જીવ અવશ્ય રૂપીપણાને પામે છે; અને રૂપીપણું તો કોઈ દ્રવ્યનું, બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું લક્ષણ છે. માટે રૂપીપણા (લક્ષણ) થી લક્ષિત (લક્ષ્યરૂપ થતું, ઓળખાતું) જે કાંઈ હોય તે જીવ છે. રૂપીપણાથી લક્ષિત તો પુદ્ગલદ્રવ્ય જ છે. એ રીતે પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ નથી. આમ થતાં, મોક્ષ-અવસ્થામાં પણ પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ (ઠરે) છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ (ઠરતો) નથી; કારણ કે સદાય પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય બધીયે અવસ્થાઓમાં હાનિ અથવા ઘસારો નહિ પામતું હોવાથી અનાદિ-અનંત હોય છે. આમ થવાથી, તેના મતમાં પણ (અર્થાત્ સંસાર-અવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય માનનારના મતમાં પણ); પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે.
તાદાત્મ્યસંબંઘ છે તો જીવ મૂર્તિક થયો; અને મૂર્તિકપણું તો પુદ્ગલદ્રવ્યનું લક્ષણ છે; માટે પુદ્ગલદ્રવ્ય તે જ જીવદ્રવ્ય ઠર્યું, તે સિવાય કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય ન રહ્યું. વળી મોક્ષ થતાં પણ તે પુદ્ગલોનો જ મોક્ષ થયો; તેથી મોક્ષમાં પણ પુદ્ગલો જ જીવ ઠર્યોં, અન્ય કોઈ ચૈતન્યરૂપ જીવ ન રહ્યો. આ રીતે સંસાર તેમ જ મોક્ષમાં પુદ્ગલથી ભિન્ન એવું કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય નહિ રહેવાથી જીવનો જ અભાવ થયો. માટે માત્ર સંસાર-અવસ્થામાં જ વર્ણાદિભાવો જીવના છે એમ માનવાથી પણ જીવનો અભાવ જ થાય છે.
હવે, ‘માત્ર સંસાર-અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાત્મ્ય છે’ એવા અભિપ્રાયમાં પણ દોષ આવે છે એમ કહે છેઃ-
જેનો અભિપ્રાય એટલે શ્રદ્ધાન એમ છે કે-ભલે મોક્ષ અવસ્થામાં રાગાદિનો જીવની સાથે તાદાત્મ્ય સંબંધ નથી પણ સંસાર-અવસ્થામાં તો જીવને રાગાદિ ભાવો સાથે સંબંધ છે તેને કહે છે કે-ભાઈ! સંસાર-અવસ્થામાં જો જીવને વર્ણાદિ ભાવો સાથે સંબંધ હોય તો સંસાર- અવસ્થાના કાળમાં તારા મત પ્રમાણે જીવ અવશ્ય રૂપીપણાને પ્રાપ્ત થાય. જુઓ, અહીં રાગાદિ ભાવને અજીવ, અચેતન અને રૂપી પણ કહ્યાછે. ભગવાન ચૈતન્યસ્વરૂપ પ્રભુ જીવ તો અરૂપી છે. અને આ રાગાદિ ભાવો છે એ તો અચેતન રૂપી છે. તેથી જો રાગાદિ ભાવો સંસાર- અવસ્થામાં જીવ સાથે તાદાત્મ્યપણે હોય તો જીવ અવશ્ય રૂપીપણાને પ્રાપ્ત થાય.