સમયસાર ગાથા-૬૩-૬૪ ] [ ૧૭૧ થઈ જાય તો આત્મા જડ પુદ્ગલ બની જાય. તેવી જ રીતે દર્શનની પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં અને ચારિત્રની પર્યાયમાં જે ભેદ પડે છે તે ભેદ જીવદ્રવ્યનું સ્વરૂપ નથી. જો તે જીવનું સ્વરૂપ હોય તો ત્રિકાળી જીવમાં તે કાયમ રહે. પરંતુ સિદ્ધમાં એ ભેદો નથી. તથાપિ સંસાર-અવસ્થામાં એ ભેદાદિ જીવના છે એમ જો કહો તો સંસાર-અવસ્થામાં જીવ પુદ્ગલમય થઈ જાય, કેમકે ભેદાદિ છે એ તો મૂર્તિક પુદ્ગલમય જ છે. તો પછી મોક્ષ થતાં, મોક્ષ અવસ્થામાં પણ પુદ્ગલ જ રહેશે. ભાષા તો સાદી છે, પણ એનો મર્મ ઘણો ઊંડો છે, ભાઈ! આ સમજવા માટે ખૂબ ધીરા થવું પડશે.
આત્માનું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન કરતાં સમ્યગ્દર્શન થાય છે. પરંતુ તે આત્મા કેવો છે? તો કહે છે કે રંગ-રાગ અને ભેદથી રહિત જે અભેદ શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે તે આત્મા છે. તથા જે રંગ-રાગ અને ભેદ સહિત છે એ તો મૂર્તિક પુદ્ગલ છે. આ શાસ્ત્રનું જે જ્ઞાન છે તે મૂર્તિક પુદ્ગલરૂપ છે. જો તે સ્વનું જ્ઞાન હોય તો સાથે અતીન્દ્રિય આનંદ આવવો જોઈએ. પરંતુ શાસ્ત્રજ્ઞાન સાથે આનંદનો સ્વાદ તો આવતો નથી. માટે શાસ્ત્રજ્ઞાન પુદ્ગલમય છે. તેવી રીતે દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા અને પંચમહાવ્રતના પાલનનો ભાવ ઇત્યાદિ સર્વ પુદ્ગલરૂપ છે. અને આ ભાવ જો આત્માના થઈ જાય તો આત્મા જડ-પુદ્ગલમય થઈ જાય એમ કહે છે.
નિશ્ચયસ્તુતિનું સ્વરૂપ કહેતાં ૩૧મી ગાથામાં આવે છે કે-જડ ઇન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને તેના વિષયો-ભગવાન, ભગવાનની વાણી, ઇત્યાદિ-એ બધુંય ઇન્દ્રિય છે. વાણીના નિમિત્તે જે જ્ઞાન પોતાની પર્યાયમાં થાય તે પણ ઇન્દ્રિય છે. એ પરલક્ષી જ્ઞાનને અહીં પુદ્ગલમય કહ્યું છે. તેથી જેમ દયા, દાન, આદિ ભાવને તે જીવના છે એમ માનતાં જીવનો અભાવ થાય છે તેમ આ શાસ્ત્રનું જ્ઞાન આત્માનું જ્ઞાન છે એમ માનવાથી પણ જીવનો અભાવ થાય છે અર્થાત્ જીવ પુદ્ગલમય જ થઈ જાય છે.
તેવી જ રીતે માર્ગણામાં પણ લેવું. જ્ઞાનમાર્ગણા, દર્શનમાર્ગણા, સંયમમાર્ગણા એવી માર્ગણાની પર્યાયને શોધવાથી પર્યાયમાં તેઓ છે, તોપણ જીવના ચૈતન્યસ્વભાવમાં એ ભેદો નથી તેથી તે પુદ્ગલના પરિણામમય છે. જ્ઞાનના ભેદો અને સમ્યગ્દર્શનના ક્ષાયિક સમ્યગ્દર્શન, ઉપશમ સમ્યગ્દર્શન આદિ જે ભેદો છે તે ભેદોનું લક્ષ કરતાં તો રાગ જ ઉત્પન્ન થાય છે. તથા આ ભેદો વસ્તુના ચૈતન્યસ્વરૂપમાં તો છે નહિ. તેથી તેમને પુદ્ગલના પરિણામમય જ કહ્યા છે. તેથી આ રંગ-રાગ-ભેદના ભાવો જીવના સ્વરૂપમય છે એમ માનતાં પુદ્ગલ જ જીવસ્વરૂપ ઠરશે અને તેથી, ભિન્ન ચૈતન્યમય જીવ નહિ રહેવાથી, જીવનો જ અભાવ થશે. તેથી રંગ-રાગ- ભેદ આદિ જીવ નથી એમ નક્કી કરવું. સાદી ભાષામાં પણ ગૂઢ રહસ્યમય વાત સંતોએ કરી છે તે ધીરજથી સમજવી જોઈએ.