Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 69 of 4199

 

૬૨ [ સમયસાર પ્રવચન

દ્રવ્યમાં અંતર્મગ્ન અસ્તિત્વ, વસ્તુત્વ આદિ ગુણો -ધર્મો અને તેમની અવસ્થાઓને સ્પર્શે છે, પણ પરના ગુણ-પર્યાયોને સ્પર્શતું નથી. પ્રવચનસાર ગાથા ૧૭૨ (ટીકા) માં અલિંગ-ગ્રહણના બોલમાં તો એમ આવે છે કે દ્રવ્ય પોતાના ગુણોના ભેદને સ્પર્શતું નથી. ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં તો એકલા અભેદને સિદ્ધ કરવો છે. ભગવાન આત્મા એકરૂપ ધ્રુવ જે દ્રષ્ટિનો વિષય છે તે ગુણભેદને સ્પર્શતો નથી, આલિંગન કરતો નથી એમ ત્યાં કહ્યું છે. ત્યાં દ્રવ્યના અંદર અંદર બે અંશ વચ્ચેની વાત છે. જ્યારે અહીં તો દ્રવ્ય પરને સ્પર્શતું નથી એવી છ દ્રવ્યોની મર્યાદા સિદ્ધ કરવાની વાત છે. આ તો અલૌકિક માર્ગ છે, ભાઈ!

પહેલાં કહ્યું કે સમયમાં સ્વસમય અને પરસમય એમ જે દ્વિવિધપણું આવે છે તે વિસંવાદ ઉપજાવે છે. માટે તેનો (બે-પણાનો) નિષેધ છે. (ત્યાં રાગ આત્માનું સ્વરૂપ નથી એમ બતાવવું હતું)

નયચક્રમાં કહ્યું છે કે પ્રમાણમાં પર્યાયનો નિષેધ આવતો નથી માટે પ્રમાણ પૂજ્ય નથી. એકલો સ્વભાવ ધ્રુવ અખંડાનંદ પ્રભુ દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય છે. (તેમાં પર્યાય નિષિદ્ધ છે) માટે નિશ્ચયનય તે પૂજ્ય છે.

ત્યારે અહીં તો કહે છે કે સ્વપણે પોતાનું પરિણમન કરે તે સ્વસમય છે -તે આત્મા છે. જે અપેક્ષાથી વાત કરી હોય તે અપેક્ષા બરાબર સમજવી જોઈએ.

સર્વ પદાર્થો પોતાના અંતર્મગ્ન અનંત ધર્મોના સમૂહને ચુંબે છે, સ્પર્શે છે, અડે છે, આલિંગન કરે છે તોપણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અહાહા...! એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરતું નથી. આત્મા કર્મને સ્પર્શતો નથી, કર્મ આત્માને સ્પર્શતું નથી. એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શતો નથી. એકપ્રદેશી પરમાણુમાં આકાશ જે અનંત પ્રદેશી સર્વવ્યાપી છે તેમાં જેટલા (અનંત) ગુણોની સંખ્યા છે એટલા જ ગુણોની સંખ્યા છે. તે પરમાણુ દ્રવ્ય પોતાના અનંતધર્મોના ચક્રને ચુંબે છે તોપણ તે બીજા પરમાણુને સ્પર્શ કરતો નથી. રૂપી રૂપીને સ્પર્શતું નથી; કારણ કે એકબીજાનો એકબીજામાં અભાવ છે. અભાવમાં ભાવનું સ્પર્શવું કેમ બને? તેઓ (દ્રવ્યો) પરસ્પર સ્પર્શતા નથી એટલે કે એક પરમાણુ બીજા પરમાણુને, પરમાણુ આકાશને, આકાશ પરમાણુને, પરમાણુ આત્માને, આત્મા પરમાણુને, આત્મા આકાશને, આકાશ આત્માને પરસ્પર અડતા નથી. આકાશ નામનો પદાર્થ છે. તેમાં અનંત પરમાણુ રહ્યા છે, ત્યાં જ નિગોદના અનંત જીવો પડયા છે, પણ કહે છે કે કોઈ કોઈને અડતા નથી. એક નિગોદનો જીવ બીજા જીવને સ્પર્શતો નથી. આ તો ગજબ વાત છે, ભાઈ!