તેથી કર્મ જીવને હેરાન કરે છે એ વાત ઊડી જાય છે. “અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા.” જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે એમ કથન શાસ્ત્રમાં આવે તેને પકડી પાડે. પણ અહીં કહે છે કે જ્ઞાનાવરણીય કર્મ અને આત્મા એકબીજાને સ્પર્શ કરતા નથી. માટે કોઈ કહેતું હોય કે કર્મથી જ્ઞાન રોકાય તો એ વાત ત્રણકાળમાં સત્ય નથી.
શાસ્ત્રમાં કોઈ ઠેકાણે પરસ્પર વિરુદ્ધ કથન આવે તો ત્યાં વિધવિધ પ્રયોજન સિદ્ધ કરવા વિવક્ષાભેદ હોય છે, વિરુદ્ધ તો કાંઈ હોતું નથી. એક આચાર્યનો મત તે જ અનંત આચાર્યોનો મત છે. મુનિ હો કે સમકિતી-બધા દિગંબર સંતોનો એક પ્રવાહમાં એક જ મત હોય છે.
અહા! પોતે જ્ઞાનનો સમુદ્ર છે. સમજવું, સમજવું, સમજવું, એ એના જ્ઞાનનો સ્વભાવ છે. કઈ અપેક્ષાનું કથન છે તે બરાબર સમજાતાં ગમે તેટલાં પડખાંથી કહેવામાં આવે છતાં એમાં એને વિરોધ ન આવે.
એક નિગોદના શરીરમાં અનંત જીવ છે. એક એક જીવને તેજસ અને કાર્માણ એમ બબ્બે શરીર હોય છે. પરંતુ તે એક જીવ બીજા જીવને અડતો નથી. તથા જીવ શરીરને પણ અડતો નથી. જુઓ, પરથી પૃથકતા. (આવી દરેક દ્રવ્યની સ્વતંત્રતા જિનેશ્વરના માર્ગમાં બતાવવામાં આવી છે) વસ્તુનું સ્વરૂપ જ આવું છે. પરિચય ન હોય એટલે ઝીણું પડે, પણ બરાબર સમજવા જેવું છે.
એક સિદ્ધ પરમાત્મા છે તેના પેટમાં (ક્ષેત્રમાં) અનંતા બીજા સિદ્ધ છે. છતાં એક સિદ્ધ બીજા અનંતા સિદ્ધોને અડતા નથી પરસ્પર સ્પર્શ કરતા નથી. એકદમ ભેદ કરીને સમજાવ્યું છે. દરેક દ્રવ્ય સ્વયંસિદ્ધ પોતે પોતામાં પરિણમી રહ્યું છે. પરને અને એને કાંઈ સંબંધ નથી.
જુઓ, આ આંગળીમાં અનંત પરમાણુઓ છે. તેઓ એકબીજાને સ્પર્શતા નથી, કેમકે એકબીજા વચ્ચે તદ્ન અભાવ છે, અન્યત્વ છે. એકદ્રવ્યમાં દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણ વચ્ચે પરસ્પર અન્યત્વની વાત શાસ્ત્રમાં (પ્રવચનસારમાં) આવે છે. ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં તો અતદ્ભાવરૂપ અન્યત્વ કહ્યું છે. દ્રવ્ય, ગુણ, પર્યાયમાં ત્યાં ક્ષેત્રભિન્નતા નથી, અતદ્ભાવ છે, એક છે તે અન્ય નથી એવો ભાવ છે. પણ અહીં તો દ્રવ્ય-દ્રવ્ય વચ્ચે અભાવરૂપ અન્યત્વ છે એની વાત છે.
તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે સ્પર્શાદિ ઈન્દ્રિયો વસ્તુને સ્પર્શીને તેનું જ્ઞાન કરે છે. પણ અહીં કહે છે કે એમ છે નહીં. ઈન્દ્રિય છે તે સ્પર્શ વિના જ જાણે છે. ઈન્દ્રિય અને વસ્તુ