સમયસાર ગાથા-૬૭ ] [ ૧૯૧
जीवो वर्णादिमज्जीवजल्पनेऽपि न तन्मयः।। ४० ।।
_________________________________________________________________
[कुम्भः घृतमयः न] ઘડો છે તે ઘીમય નથી (-માટીમય જ છે), [वर्णादिमत्–जीव–जल्पने अपि] તો તેવી રીતે ‘વર્ણાદિવાળો જીવ’ એમ કહેતાં પણ [जीवः न तन्मयः] જીવ છે તે વર્ણાદિમય નથી (-જ્ઞાનઘન જ છે).
નિશ્ચયથી ઘડો ઘી-સ્વરૂપ નથી; ઘી ઘી-સ્વરૂપ છે, ઘડો માટી-સ્વરૂપ છે; તેવી રીતે વર્ણ, પર્યાપ્તિ, ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એકક્ષેત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી ‘પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ’ ઇત્યાદિ કહેવામાં આવ્યો છે છતાં નિશ્ચયથી જીવ તે-સ્વરૂપ નથી; વર્ણ, પર્યાપ્તિ, ઈન્દ્રિયો ઇત્યાદિ પુદ્ગલસ્વરૂપ છે, જીવ જ્ઞાનસ્વરૂપ છે. ૪૦.
આત્મા તો વિજ્ઞાનઘન-જ્ઞાનનો ઘન પિંડ છે. એ જ્ઞાનઘન સિવાય બીજું જે કાંઈ છે તે વર્ણ, ગંધ, શરીર, મન, વાણી, ઇન્દ્રિય, દયા, દાન, આદિ ભાવો-તે બધાયને જીવ કહેવા એ સર્વ વ્યવહારમાત્ર છે-એમ હવે કહે છે.
જીવને બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિયાદિ કહ્યો છે એ વ્યવહારથી એટલે જૂઠી દ્રષ્ટિએ કહ્યો છે એમ અહીં કહે છે, કારણ કે બાદર, સૂક્ષ્મ આદિ તો દેહની સંજ્ઞા-દેહનું નામ છે. તેથી સૂત્રમાં જ્યાં એકેન્દ્રિયાદિને જીવની સંજ્ઞાપણે કહ્યા છે ત્યાં વ્યવહારથી-અસદ્ભૂત વ્યવહારનયથી કહ્યા છે.
અનાદિથી અજ્ઞાનીને પરની પ્રસિદ્ધિ છે. પુણ્ય-રાગ આત્મા છે એવું અનાદિથી અજ્ઞાનીને પ્રસિદ્ધ છે. તેથી એમ સમજાવ્યું કે રાગ તે આત્મા. પણ ખરેખર રાગ તે આત્મા નથી. અહા! પુણ્યનો ભાવ જે રાગમય છે તે આત્મા નથી. આત્મા તો જ્ઞાનમય છે. ઘીના ઘડાની જેમ વ્યવહારથી સમજાવ્યું છે, પરંતુ એ વ્યવહાર અપ્રયોજનાર્થ છે. વ્યવહાર પ્રયોજનને સિદ્ધ કરતો નથી માટે તે અપ્રયોજનાર્થ છે. શું કહ્યું? કે ‘રાગ તે આત્મા’ એમ કહેવું તે અપ્રયોજનભૂત છે કારણ કે એથી કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી.