૧૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ તેવી રીતે ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન આદિમાં આત્મા તન્મય નથી. તેથી તેમને જીવના કહેવા તે અપ્રયોજનાર્થ છે, જૂઠું છે, કારણ કે એથી કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. કળશટીકામાં કળશ ૩૯માં લીધું છે કે-“કોઈ આશંકા કરે છે કે કહેવામાં તો એમ જ કહેવાય છે કે ‘એકેન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ’ ઇત્યાદિ; ‘દેવ જીવ, મનુષ્ય જીવ’ ઇત્યાદિ; ‘રાગી જીવ, દ્વેષી જીવ’ ઇત્યાદિ, ઉત્તર આમ છે કે કહેવામાં તો વ્યવહારથી એમ જ કહેવાય છે, નિશ્ચયથી એવું કહેવું જૂઠું છે.” વળી કળશટીકામાં કળશ ૪૦માં પણ એ જ દ્રઢ કર્યું છે કે-“આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે ત્યાં ‘દેવ જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ’ ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે, પણ તે સઘળુંય કહેવું વ્યવહારમાત્રથી છે; દ્રવ્યસ્વરૂપ જોતાં એવું કહેવું જૂઠું છે.”
રાગ-દ્વેષાદિ ભાવો છે તો પોતામાં તેઓ પર્યાયમાં અસ્તિ છે તેથી સત્ય છે. પરંતુ તેઓ જીવદ્રવ્યમાં કયાં છે? તેઓ અજીવપણે ભલે હો, પણ તેઓ આત્મા નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ ઊઠે છે તે આત્મા છે એમ વ્યવહારથી-જૂઠી દ્રષ્ટિથી કહ્યું છે. એનાથી ભગવાન! તું ભરમાઈ ગયો? વ્યવહાર દ્વારા નિશ્ચય ઓળખાવ્યો છે અર્થાત્ રાગદ્વારા આત્મા ઓળખાવ્યો છે; ત્યાં તું રાગને જ ચોંટી પડયો કે રાગ તે આત્મા! ભાઈ! આત્મા તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકમૂર્તિ ભગવાન વિજ્ઞાનઘન પ્રભુ છે. એ ભૂતાર્થ એટલે સત્યાર્થ છે. એ દ્રષ્ટિનો વિષય છે અને એમાં દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે. આ સિવાય દયા, દાન, આદિ અનેક વિકલ્પવાળો જીવને કહેવો એ વ્યવહાર છે અને વ્યવહાર છે એ અસત્યાર્થ છે કારણ કે તેમાં (વિકલ્પમાં) જીવ તન્મય નથી.
પ્રશ્નઃ– પ્રવચનસાર (ગાથા ૧૮૯)માં તો એમ આવે છે કે નિશ્ચયથી શુભાશુભ ભાવોનો-પુણ્ય-પાપના ભાવોનો આત્મા ર્ક્તા અને ભોક્તા છે? તથા પ્રવચનસાર ગાથા ૮માં એમ કહ્યું છે કે શુભ, અશુભ કે શુદ્ધપણે પરિણમતો જીવ એમાં તન્મય છે?
ઉત્તરઃ– ભાઈ! એ તો પર્યાયમાં શુભાશુભ ભાવોથી એકરૂપ છે એટલું બતાવવું છે. તેથી ત્રિકાળી દ્રવ્ય એમાં તન્મય છે એમ નથી. ત્યાં તો પર્યાય તે સમયમાં તે-રૂપે પરિણમી છે એમ વર્તમાન પર્યાય પૂરતી વસ્તુની સ્થિતિ સિદ્ધ કરવી છે. પરંતુ અહીં તો એકલા ત્રિકાળીને-દ્રવ્યને સિદ્ધ કરવું છે. ત્રિકાળી દ્રવ્ય જે આત્મા એ તો શુદ્ધ વિજ્ઞાનઘન ભગવાન છે. એ કદીય શુભાશુભભાવોપણે થયો જ નથી. તથાપિ શુભાશુભપણે થયો છે એમ કહેવું એ વ્યવહાર છે, જૂઠી દ્રષ્ટિ છે. સમયસારની છઠ્ઠી ગાથામાં આવે છે કે ભગવાન આત્મા શુભાશુભભાવના સ્વભાવે પરિણમ્યો જ નથી. એટલે શું? કે જ્ઞાયકસ્વભાવી આત્મા જો શુભાશુભના સ્વભાવે પરિણમે તો જડ અચેતન થઈ જાય. ભાઈ! આ ભક્તિ અને મહાવ્રતાદિના જે શુભભાવ છે તે જડ અચેતન છે, કેમકે એમાં ચૈતન્યનું કિરણ નથી. ત્યાં પ્રવચનસારમાં પર્યાયની અપેક્ષાએ તન્મય છે એમ કહ્યું તથા અહીં દ્રવ્યની અપેક્ષાએ તન્મય નથી એમ સિદ્ધ કર્યું છે.