સમયસાર ગાથા-૬૭ ] [ ૧૯૩
પ્રવચનસારની ૧૮૯મી ગાથામાં જે એમ કહ્યું છે કે નિશ્ચયથી આત્મા રાગનો ર્ક્તા અને ભોક્તા છે ત્યાં તો સ્વતઃ રાગ કરે છે અને સ્વતઃ ભોગવે છે એમ અભિપ્રાય છે. પરની પરિણતિને જીવની કહેવી તે વ્યવહારનય અને પોતાની પરિણતિને પોતાની-જીવની કહેવી તે નિશ્ચયનય એમ ત્યાં અર્થ છે.
પ્રશ્નઃ– તો પછી જીવ રાગને કરે છે અને નથી કરતો એ બન્નેમાંથી સાચું શું?
ઉત્તરઃ– ભાઈ! અપેક્ષાથી બન્ને વાત સાચી છે. પ્રવચનસારના જ્ઞેય અધિકારમાં વસ્તુની પર્યાય સિદ્ધ કરી છે ત્યારે અહીં દ્રવ્ય સિદ્ધ કર્યું છે. દ્રવ્યદ્રષ્ટિથી જોતાં વસ્તુ જે જ્ઞાયકમાત્ર ભાવ છે એમાં રાગ છે જ નહિ. તેથી તો છટ્ઠી ગાથામાં કહ્યું કે જ્ઞાયકભાવ શુભાશુભભાવોના સ્વભાવે પરિણમતો નથી. પંડિત શ્રી જયચંદજીએ કૌંસમાં ‘જ્ઞાયકભાવથી જડભાવરૂપ થતો નથી’ એમ એનો ખુલાસો કર્યો છે. અહાહા! જ્ઞાયક, જ્ઞાયકપણે ફીટીને કદીય અચેતન થતો જ નથી. ભાઈ! શુભાશુભભાવ છે તે અચેતન છે. જો જ્ઞાયકભાવ તેમના સ્વભાવે પરિણમે તો તે અચેતન થઈ જાય. ભાઈ! આવો વીતરાગ સર્વજ્ઞનો માર્ગ ઘણો ગંભીર-ઊંડો છે, ઘણો ફળદાયક છે.
વ્યવહારના રસિયાને તો આ વાત એવી લાગે કે જાણે એના સર્વ વ્યવહારનો લોપ થઈ ગયો. ભાઈ! એ જ વાત અહીં કહે છે કે આત્મામાં વ્યવહાર-રાગાદિ છે જ નહિ. જે આત્માને અંતરમાં સ્વીકારવો છે એ તો એકલો વિજ્ઞાનઘન સચ્ચિદાનંદમય જ્ઞાનનો પુંજ અસંખ્યપ્રદેશી પ્રભુ છે, એમાં શુભાશુભ ભાવો કયાં છે? (નથી જ). તો એ શુભાશુભપણે કેમ થાય? (ન જ થાય). ભાઈ! એને શુભાશુભભાવોવાળો કહેવો એ તો અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. ૧૧મી ગાથામાં આવ્યું છે ને કે જે રાગ જણાય છે તે અસદ્ભૂત ઉપચાર વ્યવહારનયનો વિષય છે અને જે રાગ (અબુદ્ધિપૂર્વકનો) નથી જણાતો એ અસદ્ભૂત અનુપચાર વ્યવહારનયનો વિષય છે. છે તો બન્ને અસદ્ભૂત વ્યવહાર, અને વ્યવહાર બધોય અભૂતાર્થ છે કેમકે તે અભૂત અર્થને પ્રગટ કરે છે. એ જ વાતને વિસ્તારથી સ્પષ્ટ કરે છેઃ-
જેમકે કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ‘ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ છે અર્થાત્ ઘીથી જુદો ઘડો એણે કદીય જોયો નથી તેથી ‘ઘીનો ઘડો’ જ જેને જાણીતો છે એવા પુરુષને સમજાવવા “જે આ ‘ઘીનો ઘડો’ છે તે માટીમય છે, ઘીમય નથી.” એમ કહેવામાં આવે છે. અહાહા! ભાષા તો જુઓ! ‘આ ઘીનો ઘડો છે તે માટીમય છે’ એ તો સમજમાં આવે છે. હવે એ દ્રષ્ટાંત અહીં આત્મા ઉપર ઘટાવવું છે. શબ્દ તો એમ કહ્યો કે ‘ઘીનો ઘડો,’ જ્યારે બતાવવું એમ છે કે ઘડો માટીમય છે. કારણ કે ઘી વિનાનો ખાલી ઘડો એણે જોયો નથી તેથી સમજાવવા એમ કહ્યું કે ‘આ ઘીનો ઘડો છે તે માટીમય છે, ઘીમય નથી.’ આમ ઘડામાં ‘ઘીનો ઘડો’ એમ વ્યવહાર કરવામાં આવે છે.