૨૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ એ વિકારી ભાવ નિમિત્તને લક્ષે થયેલો છે અને જીવદ્રવ્યના સ્વભાવમાં નથી તેથી તેને પુદ્ગલનું કાર્ય ગણીને જીવમાંથી કાઢી નાખવો છે.
પ્રવચનસારની ગાથા ૧૮૯માં એમ આવે છે કે શુદ્ધનયથી આત્મા વિકારનો ર્ક્તા સ્વતઃ છે. પરને લઈને કે કર્મના ઉદયને લઈને વિકાર થતો નથી એમ ત્યાં કહ્યું છે. પંચાસ્તિકાયની ગાથા ૬૨માં પણ કહ્યું છે કે આત્માની વિકારી પર્યાયનું પરિણમન પોતાના ષટ્કારકથી સ્વતઃ છે અને તે અન્ય કારકોથી નિરપેક્ષ છે. એટલે કે જીવની પર્યાયમાં જે વિકારનું પરિણમન થાય છે એને કર્મના ઉદયની અપેક્ષા નથી એમ ત્યાં સિદ્ધ કર્યું છે. પરંતુ અહીં અપેક્ષા જુદી છે. અહીં તો કહે છે કે પર્યાયમાં જે વિકાર થાય છે તે દ્રવ્યસ્વભાવમાં નથી. વિકાર દ્રવ્યની ચીજ નથી. એટલા માટે પર્યાયના વિકારને અને કર્મને બન્નેને એક ગણીને વિકાર કર્મપ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે એમ કહ્યું છે. પ્રકૃતિ જડ અચેતન છે તેથી વિકાર પણ સદાય અચેતન છે એમ કહ્યું છે.
કર્મનો ઉદય આવે તેમ ડીગ્રી ટુ ડીગ્રી વિકાર કરવો પડે એ તો બે દ્રવ્યોની એક્તાની વાત છે તેથી તદ્ન મિથ્યા છે. શ્રી જયસેનાચાર્યની પ્રવચનસાર ગાથા ૪પની ટીકામાં તો આવે છે કે દ્રવ્યમોહકર્મનો ઉદય હોવા છતાં, જીવ જો પોતે શુદ્ધપણે પરિણમે તો, ઉદય ખરી જાય છે. કર્મનો ઉદય આવે છે માટે જીવને વિકાર કરવો પડે છે એમ બિલકુલ નથી. પોતાના વર્તમાન પુરુષાર્થની જેટલી યોગ્યતા હોય તેટલો વિકારપણે પરિણમે છે. કર્મનો ઉદય હોય છતાં ઉદયપણે ન પરિણમે એ પોતાની-જીવની પરિણતિની સ્વતંત્રતા છે. અહીં બીજી અપેક્ષાએ વાત છે. કે પોતાની પરિણતિમાં જે વિકાર-અશુદ્ધતા થાય છે તે કર્મને આધીન-વશ થઈને થાય છે તેથી કર્મને કારણે થાય છે એમ કહ્યું છે.
ગાથા ૬પ-૬૬માં પર્યાપ્ત, અપર્યાપ્ત, બાદર, સૂક્ષ્મ આદિ ભેદો નામપ્રકૃતિથી થયા છે એમ લીધું હતું. અહીં મિથ્યાત્વાદિ ચૌદેય ગુણસ્થાનો મોહકર્મની પ્રકૃતિના ઉદયથી થયા છે એમ કહે છે. જયસેનાચાર્યની ટીકામાં ‘मोहजोग भवा’ એવું શ્રી ગોમ્મટસારનું વચન ઉદ્ધત કરી દર્શાવ્યું છે કે મોહ અને યોગના નિમિત્તથી આ બધા ગુણસ્થાનના ભેદ પડે છે.
કહે છે કે આ મિથ્યાત્વાદિ ગુણસ્થાનો-પહેલાથી માંડીને ચૌદમા ગુણસ્થાન સુધીના- બધાય પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે અને તેથી તેઓ સદાય અચેતન છે. સંસ્કૃત ટીકામાં ‘વિપાક’ શબ્દ લીધો છે, જ્યારે ગુજરાતીમાં ‘ઉદય’ શબ્દ છે. જે જડ મોહકર્મ છે એના ઉદય નામ વિપાકકાળે વિપાકપૂર્વક આ ચૌદ ગુણસ્થાન થાય છે. તેવી રીતે વિશુદ્ધિનાં સ્થાન-રાગની મંદતાનાં સ્થાન અર્થાત્ અસંખ્ય પ્રકારના પ્રશસ્ત શુભરાગના ભાવ પણ મોહકર્મની પ્રકૃતિના વિપાકપૂર્વક થાય છે અને તેથી તે અચેતન