Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 730 of 4199

 

૨૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. (કલશ ૧૭૩). ગાથા ૨૭૨ માં જે વાત આવવાની છે તે વાત આગળના કળશમાં (કળશ ૧૭૩ માં) કહી દીધી છે. આવી શૈલી સમયસારમાં લીધી છે.

અહાહા! પરથી નથી થયું તે કાર્ય પરનું છે, સ્વનું નથી! કેવી વાત! ભાઈ! ‘પરથી નથી થયું’ એ તો રાગનું કાર્ય સ્વથી પર્યાયમાં થયું છે એમ સિદ્ધ કરવા કહ્યું છે. એ પર્યાય અપેક્ષાએ પર્યાયની વાત કરી છે. પણ વસ્તુના સ્વભાવને જ્યાં જોઈએ તો ‘તે કાર્ય પરનું છે’ એમ ભાસે છે. કેમકે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય વસ્તુનો અનુભવ કરતાં એટલે કે નિર્મળ સમ્યક્દર્શન-જ્ઞાનના પરિણામથી દ્રવ્યનો અનુભવ કરતાં, એ પરિણામમાં રાગનું વેદન આવતું નથી. માટે રાગ છે તે પરનું કાર્ય છે, સ્વનું નથી. ભાઈ! આ સમયસાર છે તે એમ ને એમ વાંચી જવાથી સમજાય એમ નથી. તેનાં એક એક પદ અને પંક્તિમાં ભાવ ઘણા ગંભીર-ઊંડા છે.

અહા! શું વસ્તુસ્થિતિ બતાવી છે! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત શુદ્ધ ચિદાનંદમય વસ્તુ છે. તે અનંત શક્તિ-ગુણ-સ્વભાવથી મંડિત અભેદ એકાકાર વસ્તુ છે. શું એમાં કોઈ શક્તિ-ગુણ-સ્વભાવ છે જે વિકાર ઉત્પન્ન કરે? (ના). છતાં પર્યાયમાં જે વિકાર થાય છે તે વિકારનું સ્વતઃ પરિણમન છે. અહાહા! સ્વતઃ ષટ્કારકથી વિકાર પરિણમે છે. તેને દ્રવ્ય-ગુણ અર્થાત્ સ્વભાવવાનની અપેક્ષા નથી તથા નિમિત્તના કારકોની પણ અપેક્ષા નથી. હવે કહે છે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત શુદ્ધ આત્માને અનુભવતાં, એની નિર્મળ અનુભૂતિમાં વિકાર- રાગ આવતો નથી, ભિન્ન રહી જાય છે. જો એ રાગ ચૈતન્યસ્વરૂપમય હોય તો ચૈતન્યની અનુભૂતિમાં આવવો જોઈએ. પરંતુ એમ તો બનતું નથી. માટે રાગ અચેતન જ છે.

અહાહા! આત્મા શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે. જ્યાં જ્ઞાનના પરિણામ અંદર શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં નિમગ્ન થયા ત્યાં રાગ સ્વયં સ્વથી ભિન્નપણે જણાય છે. માટે રાગ એ જીવના પરિણામ નથી. અહાહા! ચૈતન્યસ્વભાવી વસ્તુ આત્મામાં ઢળેલા જે શ્રદ્ધા-જ્ઞાનના નિર્મળ પરિણામ છે તે જીવના છે. પણ એ નિર્મળ પરિણામ સાથે રાગ આવતો નથી. અહાહા! જ્ઞાનના પરિણામથી રાગ ભિન્ન જ રહે છે. એ રાગનું જ્ઞાન જ્ઞાનના પરિણામમય છે, રાગમય નથી. રાગ પોતાથી ભિન્ન છે એવું જ્ઞાન થાય છે પણ તે રાગ અભિન્ન છે એવું જ્ઞાન જ્ઞાનના પરિણામમાં થતું નથી. ગજબ વાત! અહો! આ વીતરાગની વાણી વહેવડાવનારા દિગમ્બર સંતો જાણે વીતરાગતાનાં પુતળાં! મુનિ એટલે વીતરાગતાનું બિંબ! ધન્ય એ મુનિદશા! આવા મુનિનાં દર્શન થવા માટે પણ ભાગ્ય જોઈએ! એમની વાણીની શી વાત!

કહે છે કે ભગવાન! તું ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છો ને! શું તું રાગથી