૨૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ સ્વથી ભિન્નપણે જ જણાય છે. અર્થાત્ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ કરતાં અનુભવમાં આસ્રવો આવતા નથી, પણ ભિન્ન જ રહે છે. માટે તેઓ પુદ્ગલ જ છે.
તેવી રીતે કર્મ જે જડ (દ્રવ્યકર્મ) છે તે, નોકર્મ-શરીર, મન, વાણી, આદિ, વર્ગ, વર્ગણા અને સ્પર્ધક-આ બધા તો સીધા જડ પુદ્ગલ જ છે.
હવે કહે છે કે અધ્યવસાનસ્થાન પુદ્ગલપૂર્વક થયા હોવાથી પુદ્ગલ છે. આગમ પણ એને પુદ્ગલ કહે છે. અને તે અધ્યવસાનસ્થાન ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ભગવાન આત્માનો અનુભવ કરતાં ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતા નથી. માટે તેઓ પુદ્ગલ જ છે.
તેવી રીતે અનુભાગસ્થાન-પર્યાયમાં જેટલા અનુભાગરસના ભાવ આવે તે, યોગસ્થાન એટલે કંપનનાં સ્થાન, બંધસ્થાન-વિકારી પર્યાયના બંધના પ્રકાર, ઉદયસ્થાન તથા માર્ગણાસ્થાન-ચૌદ માર્ગણાના ભેદ-સર્વ પુદ્ગલપૂર્વક હોવાથી પુદ્ગલ છે. આગમ તેઓને પુદ્ગલ કહે છે અને ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્માનો અનુભવ કરતાં તેઓ ભિન્ન રહી જાય છે, માટે તેઓ પુદ્ગલ જ છે.
તેવી રીતે સ્થિતિબંધસ્થાન-કર્મની સ્થિતિના જે પ્રકાર છે તેટલી જીવમાં જે યોગ્યતા છે તે પુદ્ગલ છે. તથા સંકલેશસ્થાન એટલે અશુભભાવના પ્રકાર-હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ આદિ-જે અશુભભાવ છે તે પુદ્ગલપૂર્વક હોવાથી પુદ્ગલ છે, આગમ પણ તેઓને પુદ્ગલ કહે છે અને ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો અનુભવ કરતાં તે અશુભભાવો અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. માટે તેઓ પુદ્ગલ જ છે.
વિશુદ્ધિસ્થાન-જે અસંખ્યાત પ્રકારે પ્રશસ્ત શુભભાવ છે તે પુદ્ગલપૂર્વક હોવાથી પુદ્ગલ છે, આગમ પણ તેઓને પુદ્ગલ કહે છે અને શુદ્ધ આત્માના અનુભવમાં પણ તેઓ આવતા નથી, ભિન્ન રહી જાય છે, માટે તેઓ પુદ્ગલ જ છે. લોકોને આ ભારે કઠણ પડે છે. પણ ભાઈ! ગમે તે શુભભાવ હો, ચાહે તો તીર્થંકર ગોત્ર બંધાય એવો સોલહકારણ ભાવનાનો શુભભાવ હો, પરંતુ સર્વ શુભભાવ પુદ્ગલની કર્મપ્રકૃતિના વિપાક-પૂર્વક જ હોવાથી પુદ્ગલ છે. તેઓ કાંઈ ચૈતન્યના વિપાક-ભાવ નથી. ભગવાન ચૈતન્યદેવનું કાર્ય તો આનંદ અને વીતરાગી શાન્તિના અંકુર ફૂટે એવું ચૈતન્યમય જ હોય. એમાં વિશુદ્ધિસ્થાન આવતાં નથી. માટે તેઓ પુદ્ગલ જ છે.
હવે સંયમલબ્ધિસ્થાન-અભેદ ચૈતન્યઘન-વિજ્ઞાનઘનસ્વભાવી આત્મામાં નિર્મળ ચારિત્રના જે ભેદ પડે છે તે સંયમલબ્ધિસ્થાન છે. તેઓ પણ પુદ્ગલકર્મપૂર્વક થતા હોઈને સદાય અચેતન પુદ્ગલ છે. આગમ પણ તેઓને પુદ્ગલ કહે છે અને આત્માનુભૂતિમાં પણ એ ભેદો સમાતા નથી, તેથી તેઓ પુદ્ગલ જ છે, જીવ નથી-એમ આપોઆપ સિદ્ધ થાય છે.