સમયસાર ગાથા-૬૮ ] [ ૨૧પ
અહીં મૂળ તો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ધ્રુવ ભગવાન આત્મા સિદ્ધ કરવો છે. શું કીધું? કે જે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત છે તે જીવ છે. તેથી ચૈતન્યથી ભિન્ન એવા રાગ અને ભેદ આદિ સર્વ ભાવો ચૈતન્યમય નથી માટે અચેતન છે એમ કહ્યું છે. તથા આ સર્વ ભાવો પુદ્ગલના વિપાકપૂર્વક થતા હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી એમ સિદ્ધ કર્યું છે. જેમ પહેલાં ગુણસ્થાન જીવ નથી એમ સિદ્ધ કર્યું હતું તેમ આ રાગાદિ બધાય ભાવો પણ જીવ નથી એમ આપોઆપ સિદ્ધ થઈ ગયું.
શુદ્ધદ્રવ્યાર્થિકનયની દ્રષ્ટિમાં એટલે કે જેમાં શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનું પ્રયોજન છે એવા નયની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે. શુદ્ધદ્રવ્યાર્થિકનય એટલે શુદ્ધ + દ્રવ્ય + આર્થિક + નય. અહાહા! આત્મા ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય છે. એવા ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્માનું જ જેમાં પ્રયોજન છે એ નયથી જોતાં ચૈતન્ય અભેદ છે, એમાં દયા, દાન આદિ રાગ કે સંયમલબ્ધિસ્થાન આદિના ભેદ નથી. ભાઈ! પરમાત્મા ત્રિલોકીનાથ જિનેશ્વરદેવે કહેલો માર્ગ સંતો જગતને જાહેર કરે છે. કહે છે કે-પ્રભુ! તું શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિથી અભેદ છો; અને ત્યાં જ દ્રષ્ટિ દેવા લાયક છે, માટે ત્યાં દ્રષ્ટિ દે.
અહાહા! શુદ્ધદ્રવ્યાર્થિકનયથી ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. જુઓ, વસ્તુ અભેદ છે અને તેના પરિણામ નિર્મળ જ્ઞાન-દર્શન છે. અહાહા! જ્ઞાતા-દ્રષ્ટાના આનંદના જે પરિણામ થાય તે શુદ્ધ ચૈતન્યના પરિણામ છે. પરંતુ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે પરિણામ થાય તે જીવના પરિણામ નથી; અહા! ચૈતન્યસ્વભાવનું એ પરિણમન નથી. આવી વાત લોકોને સાંભળવા નવરાશ મળે નહિ અને આખો દિવસ રળવા-કમાવવાના ધંધામાં અને બાયડી-છોકરાં સાચવવામાં-એકલા પાપના કામમાં ગાળે! કદાચિત્ સાંભળવા જાય તો ભક્તિ કરો, ઉપવાસ કરો આદિ કરો-એમ સાંભળવા મળે. પણ ભાઈ! એ તો બધો રાગ છે, અને રાગને તો અહીં પુદ્ગલના પરિણામ કહ્યા છે. અરે, તે પુદ્ગલ જ છે. અરેરે! લોકો તો એમાં જ ધર્મ માને છે!
ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવી જાગૃતજ્યોતસ્વરૂપ અભેદ એકરૂપ શુદ્ધ વસ્તુ છે. તેના પરિણામ હોય તો તે જાણવા-દેખવાના અને અતીન્દ્રિય આનંદના નિર્મળ પરિણામ છે, સંયમલબ્ધિસ્થાન આદિ તો ભેદરૂપ છે, અને આત્મા અભેદ છે. એ અભેદના આશ્રયે જે નિર્મળ જ્ઞાન-દર્શનના પરિણામ થાય તે જીવના પરિણામ છે. આત્માની પર્યાયમાં જે દયા, દાન અને કામ-ક્રોધ આદિ રાગ-દ્વેષના વિકલ્પો થાય છે તે ચૈતન્યના વિકારો છે, ચૈતન્યના સ્વભાવભાવ નથી. અહાહા! વિકારના પરિણામ ચૈતન્યના સ્વરૂપમય નથી એમ કહે છે. વિકાર ઉત્પન્ન કરે એવી ચૈતન્યમાં કોઈ શક્તિ-ગુણ નથી. જે વિકૃત પર્યાય આત્મામાં