Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 734 of 4199

 

૨૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ થાય છે તે પર નિમિત્તથી થાય છે. નિમિત્તથી થાય છે એટલે કે થાય છે તો પોતાથી પોતામાં, પણ નિમિત્તના લક્ષે થાય છે એમ અર્થ છે.

શું કહ્યું? શુભાશુભભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ વગેરેના શુભભાવ અને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભભાવ-તે સર્વ પર્યાયમાં થતા ચૈતન્યના સ્વભાવ કે સ્વભાવના પરિણામ નથી. તેઓ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલા છે અને ચૈતન્ય જેવા દેખાય છે. ચૈતન્યમય તો નથી, પણ જાણે ચૈતન્ય કેમ ન હોય એવા દેખાય છે. તોપણ તે ચિદ્વિકારો ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશૂન્ય છે, જડ છે. શું કહ્યું? ભગવાન આત્મા અનાદિ-અનંત ત્રિકાળ છે, તેની અનાદિ-અનંત સર્વ અવસ્થાઓમાં એ વિકારો રહેતા નથી. અનાદિ-અનંત જે સ્વભાવ છે એની પર્યાયમાં અનાદિ-અનંત વિકાર રહેતો નથી. આ પુણ્ય-પાપ, શુભાશુભભાવ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવ ચૈતન્યની પ્રત્યેક અવસ્થામાં વ્યાપક નથી, માટે એ વિકારો ચૈતન્યથી શૂન્ય છે એટલે કે જડ છે. તેથી તેઓ કર્મપૂર્વક થતા હોવાથી તેઓને પુદ્ગલમાં નાખ્યા છે. ભાઈ! સૌ પ્રથમ સમ્યગ્દર્શન અને તેનો વિષય શું છે તે સમજવાની જરૂર છે, બાકી બધું તો થોથેથોથાં છે.

સમ્યગ્દર્શન એ ધર્મનું પ્રથમ સોપાન છે. અને એનો વિષય ત્રિકાળી શુદ્ધ અભેદ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો, બન્નેનો વિષય ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્મા છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ છે તે એના પરિણામ હોવાથી જીવ છે. જ્યારે રાગાદિ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવો સ્વભાવપૂર્વક નહિ હોવાથી તથા નિમિત્ત પુદ્ગલકર્મના વિપાકપૂર્વક હોવાથી સદાય અચેતનપણે પુદ્ગલ જ છે. આવી વાત છે. જે કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવથી ધર્મ થવો માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. તેને જૈનધર્મની ખબર નથી. તેને ખબર નથી એટલે કાંઈ બંધભાવથી અબંધ થઈ જાય? અસત્ય, સત્ય થઈ જાય? ન થાય, ભાઈ! એ સંસારમાં રખડવાની માન્યતા છે. જુઓને! પંડિત જયચંદજીએ કેવો ખુલાસો કર્યો છે! ભાઈ! જડ પુદ્ગલમય ભાવોથી જીવને- ચૈતન્યને કેમ લાભ થાય? (કદીય ન થાય.)

દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ પુણ્યભાવ છે, અને વેપાર-ધંધાના, સ્ત્રી-પુત્ર- પરિવાર સાચવવાના તથા હિંસાદિના ભાવ છે તે એકલા પાપભાવ છે. આ પુણ્ય-પાપના ભાવ છે તો જીવની અવસ્થામાં થયેલા વિકારી પરિણામ, પણ તેઓ ચૈતન્યસ્વભાવથી શૂન્ય છે માટે જડ-અચેતન છે અને પુદ્ગલકર્મપૂર્વક થતા હોવાથી પુદ્ગલ જ છે એમ કહ્યું છે. આ યુક્તિ થઈ. હવે કહે છે આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દ્રષ્ટિથી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. તેમ જ ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે. આમ ત્રણ વાત થઈ.