૨૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ જીવથી અજીવ ભિન્ન છે એટલે કે રાગ જે અજીવ છે તેથી જીવ-ભગવાન આત્મા ભિન્ન છે. તથા ‘स्वयं उल्लसन्तम्’ તેને (અજીવને) પોતાની મેળે સ્વતંત્રપણે જીવથી ભિન્ન વિલસતું- પરિણમતું ‘ज्ञानीजनः’ જ્ઞાની પુરુષ ‘अनुभवति’ અનુભવે છે.
શું કહ્યું? કે જ્ઞાની રાગને આત્માના ચૈતન્યસ્વભાવથી ભિન્ન અનુભવે છે. અર્થાત્ ધર્મી જીવ જ્ઞાનસ્વભાવી આત્માને અનુભવે છે ત્યારે, અનુભવમાં રાગ આવતો નથી પણ તે ભિન્ન રહી જાય છે, તે ભિન્ન છે એમ જણાય છે. માટે તે રાગ જીવ નથી, અજીવ છે. રાગ એટલે દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા, શાસ્ત્રના ભણતરનો વિકલ્પ, અને પંચમહાવ્રતનો ભાવ ઇત્યાદિ. કહે છે કે ધર્માત્માને જ્ઞાનલક્ષણે લક્ષિત આત્માનો અનુભવ થતાં, તે રાગને જ્ઞાનના અનુભવથી ભિન્ન જાણે છે. ધર્મીપુરુષ અજીવને પોતાની મેળે સ્વતંત્રપણે જીવથી ભિન્નપણે પરિણમતું જાણે છે. અનુભવ વિના રાગ જુદો છે-જુદો છે એમ કોઈ કહે એ વાત નહિ. આ તો સ્વાનુભવની જ્ઞાનપરિણતિમાં તે રાગ-અજીવ આવતો નથી માટે એને જ્ઞાની જુદો જાણે છે એમ કહે છે.
દયા, દાન, વ્રત, આદિના વિકલ્પ અજીવ કેમ છે? કેમકે ચૈતન્યલક્ષણે આત્માને અનુભવતાં, જ્ઞાનના વેદનમાં આનંદનું વેદન જોતાં, રાગનું વેદન આવતું નથી પણ તે ભિન્ન રહી જાય છે. માટે તે દયા, દાન આદિના વિકલ્પ અજીવ છે, જીવથી ભિન્ન છે. હવે કહે છે કે આવું સ્વરૂપ છે ‘तत्’ તોપણ ‘अज्ञानिनः’ અજ્ઞાનીને ‘निरवधि–प्रविजृम्भितः अयं मोहः तु’ અમર્યાદપણે ફેલાયેલો આ મોહ ‘कथम् नानटीति’ કેમ નાચે છે? જ્ઞાન અને રાગ એ બેના એકપણાની ભ્રાંતિ કેમ નાચે છે? તું તો જ્ઞાયકસ્વભાવી ભગવાન છો ને! અને આ રાગ તો અચેતન છે. પ્રભુ! તને એ બેના એકપણાનો ભ્રમરૂપ મોહ કેમ નાચે છે? તને આ શું થયું છે? એમ કહે છે.
અહા! આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. જ્ઞાનલક્ષણે તેને અનુભવતાં અનુભવથી રાગ ભિન્ન રહી જાય છે. તેથી રાગ છે એ તો મડદું-લાશ છે, એમાં ચૈતન્ય નથી. આમ છે તોપણ અજ્ઞાનીને આવું મડદું કેમ નાચી રહ્યું છે? આ ચૈતન્યની સાથે મડદાને કેમ એકમેક કર્યું છે? અરે ભાઈ! જીવતી જ્યોત્ પ્રભુ ચૈતન્યમય આત્માને ભૂલીને આ રાગ સાથે તને એક્તાબુદ્ધિ કેમ થઈ છે? ‘अहो बत’ આમ આચાર્યશ્રી અમૃતચંદ્રાચાર્યને કરુણાના ભાવપૂર્વક પ્રશસ્ત ખેદ અને આશ્ચર્ય થાય છે. કુંદકુંદાચાર્ય મહારાજ-દિગંબર સંત ૨૦૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. અને તેમના પછી તેમની પરંપરામાં અમૃતચંદ્રાચાર્ય ૧૦૦૦ વર્ષે થયા. તેઓ ખેદ દર્શાવતાં આ કળશમાં કહે છે કે-જેમાં ચૈતન્યપણું નથી એવા રાગાદિ ભાવોથી અજ્ઞાનીને એક્તાનો મોહ- ભ્રાન્તિ કેમ થઈ રહ્યાં છે?
ભાઈ! શું શાસ્ત્ર વાંચવાથી જ્ઞાન થાય છે? ના, વાંચવાથી જ્ઞાન થતું નથી. જે જ્ઞાનની પર્યાય થાય છે એ તો એનો જન્મકાળ છે તેથી થાય છે, શબ્દોથી થતી નથી.