૨૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ ભાવનું ફળ જે નરક-તિર્યંચ આવ્યું એ પણ પુદ્ગલમય છે. આમ રાગાદિ ભાવોમાં સર્વત્ર પુદ્ગલ જ નાચી રહ્યું છે.
આત્મા તો જેવો છે તેવો સદાય જ્ઞાયકપણે છે. પ્રવચનસારની ગાથા ૨૦૦ની ટીકામાં પણ છે કે અનાદિનો જીવ જ્ઞાયક જ રહ્યો છે. આ રાગાદિ ભાવોમાં એ જ્ઞાયક નાચતો નથી પણ પુદ્ગલ જ નાચે છે. આ પુણ્ય-પાપના ભાવ અને એનાં ચારગતિરૂપ ફળ તથા શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિનો સંયોગ-એ બધામાં ‘पुद्गलः एव नटति’ પુદ્ગલ જ નાચે છે.
પ્રશ્નઃ– રાગની પરિણતિ તો જીવની છે ને?
ઉત્તરઃ– રાગની પરિણતિ જીવની એક સમયની પર્યાયમાં છે તેથી તેને વ્યવહારથી જીવની કહી છે, તોપણ નિશ્ચયથી તે ચૈતન્યસ્વભાવમય નથી. રાગાદિમાં ચૈતન્ય પ્રસરતું નથી માટે તે અચેતન પુદ્ગલમય છે. ભાઈ! જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ પણ અચેતન- પુદ્ગલ છે કેમકે તે ચૈતન્યની જાતિનો નથી. જુઓને, આમાં શું લખ્યું છે? કે અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે.
જેમ નાટકમાં પડદા પડે તેમ પુણ્ય-પાપના ફળરૂપે સ્વર્ગમાંથી પશુમાં જવું અને પશુમાંથી નરકમાં જવું-એમ ચારગતિમાં પરિભ્રમણ કરવું એ બધા અનેકરૂપ પડદામાં પુદ્ગલના જ ઠાઠ છે, એમાં શુદ્ધચૈતન્યમય જીવ છે જ નહિ. એ તો શુદ્ધ ચૈતન્યપણે ત્રિકાળ જ્ઞાયકપણે જ રહે છે, કદીય શુભાશુભભાવપણે થતો જ નથી. છઠ્ઠી ગાથાની ટીકામાં પણ આવે છે કે ભગવાન આત્મા શુભાશુભભાવના સ્વભાવે કદીય થયો નથી. જો તે-રૂપે થાય તો જડ થઈ જાય કેમકે શુભાશુભભાવ તો જડસ્વભાવી છે. તેથી કહે છે કે પુણ્ય-પાપના ભાવપણે અને તેના ફળપણે પુદ્ગલ જ નાચી રહ્યું છે. ગજબ વાત છે!
પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ. ભગવાન આત્મા તો શુદ્ધ બુદ્ધ એકસ્વભાવી અભેદસ્વભાવી ચૈતન્યમય છે. અહાહા! સદાય પવિત્ર ચૈતન્યસ્વભાવમય એકરૂપ વસ્તુમાં અનેકપણું નથી. એટલે કે શુભાશુભભાવ અને તેના ફળરૂપ સંયોગનું અનેકપણું આત્મામાં નથી. કહે છે કે રાજા થાય, રંક થાય, નારકી થાય, દેવ થાય, તિર્યંચ થાય, કીડી, કબુતર કે કાગડો થાય-એ અનેકપણામાં પુદ્ગલનો નાચ છે. એમાં સદાય એકરૂપ ચૈતન્ય કયાં પ્રસર્યો છે? સત્ય સમજવું હોય એને આ વાત કહે છે. એમાં વાદવિવાદથી કાંઈ પાર પડે એમ નથી.
પ્રશ્નઃ– અહીં પુણ્ય-પાપ આદિ ભાવો પુદ્ગલથી થયા છે એમ કહ્યું છે; તોપણ નિમિત્તથી થયા નથી એમ આપ કેમ કહો છો?