સમયસાર ગાથા-૬૮ ] [ ૨૩૯
ઉત્તરઃ– ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય તે બરાબર સમજવી જોઈએ. રાગ પુદ્ગલનો આશ્રય કરીને થયો છે તેથી તે પુદ્ગલની જાતનો છે એમ કહ્યું છે. રાગ છે તો જીવની પર્યાય પણ તે નિમિત્તને વશે-વશ થવાથી થયેલી છે, અને નિમિત્ત તો પુદ્ગલ છે. માટે પુદ્ગલના વશે થયેલા ભાવને પુદ્ગલમાં નાખ્યો છે, કેમ કે તે ચૈતન્યસ્વભાવમય નથી. અહીં પ્રયોજન ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરાવવાનું છે. તેથી વિકાર થાઓ તો થાઓ, એ તો પુદ્ગલમય છે-એમ સ્વચ્છંદપણે ન પ્રવર્તવું. રાગ પોતાની પર્યાયમાં થાય છે તે અશુદ્ધ ઉપાદાન છે. એ અશુદ્ધ ઉપાદાનને વ્યવહાર ગણીને તથા નિમિત્ત જે કર્મ છે તેને પણ વ્યવહાર ગણીને-બન્નેને એક ગણીને, જીવમાંથી કાઢી નાખ્યા છે.
અહાહા! આ ટીકા જે થઈ છે એ ટીકાના શબ્દો અને તેનો વિકલ્પ-એ બધું પુદ્ગલ છે એમ કહે છે. એ વિકલ્પમાં સદાય એકરૂપ જ્ઞાયકસ્વભાવી ભગવાન કયાં આવ્યો છે? ટીકા લખવાનો વિકલ્પ અને ટીકાના શબ્દો બન્નેને એક ગણીને પુદ્ગલ નાચે છે એમ કહ્યું છે.
આત્મા જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવી-જ્ઞાતાદ્રષ્ટાના ભાવથી પરિપૂર્ણ ભાવવાળી એકસ્વભાવી વસ્તુ છે. એ સિવાય જે અનેક પ્રકારે થતા પુણ્ય-પાપના વિકારી ભાવ અને એનાં ફળ-એ બધામાં પુદ્ગલ નાચે છે. જો એમાં શુદ્ધ ચૈતન્ય હોય તો, અર્થાત્ જો તે ચૈતન્યની જાતિના હોય તો કદીય નીકળે નહિ. પણ તેઓ તો નીકળી જાય છે. તેથી તેમને અજીવ ગણીને પુદ્ગલના કહ્યા છે, કેમ કે તેઓ પુદ્ગલના વિપાકપૂર્વક થાય છે. પણ તેથી કરીને એમ ન સમજવું કે પુદ્ગલકર્મનો ઉદય આવ્યો માટે વિકાર થયો છે. કર્મ-નિમિત્તને વશ થવાના વિપરીત પુરુષાર્થથી વિકાર તો થયો છે, પરંતુ તે વિપરીત પુરુષાર્થની દશા સ્વભાવમાં નથી માટે તેને પુદ્ગલ કહ્યો છે.
હવે કહે છે કે ‘अयं जीवः’ આ જીવ તે ‘रागादि–पुद्गल–विकार–विरुद्ध–शुद्ध चैतन्य–धातुमय–मृर्तिः’ રાગાદિક પુદ્ગલ-વિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે. અહાહા! ભગવાન જ્ઞાયકસ્વરૂપ તો એકલું ચૈતન્યનું દળ છે. એમાં વિકલ્પનો પ્રવેશ થાય એવું પોલાણ નથી. દયા, દાન, વ્રત, આદિ પુદ્ગલ-વિકારો પામે નહિ એવી શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ મૂર્તિ છે. જ્ઞાયક સદા જ્ઞાયક જ છે.
આત્મામાં ચિદ્વિકારને-ચૈતન્યના વિકારોને દેખીને એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે. જીવની પર્યાયમાં દયા, દાન, વ્રત, ભક્તિ, આદિના જે પરિણામ થાય છે તે ચૈતન્યના વિકાર છે. તે ચૈતન્યમય આત્માના છે એમ ભ્રમ ન કરવો. એનો અર્થ એ થયો કે જે વ્યવહાર-રાગને સાધન કહ્યું છે તે ખરેખર સાધન છે એવો ભ્રમ ન કરવો. વ્યવહાર-રાગ સાધન છે જ નહિ. વ્યવહાર કોને કહેવાય? અજ્ઞાનીએ તો રાગને પોતાનો