૨૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ માન્યો છે, અને રાગ તો બંધનું જ કારણ છે; તેથી તેને એ સાધન કયાંથી થાય? અંતર- સ્વરૂપનું જેને ભાન થયું છે તેને વ્યવહારે વ્યવહાર છે. (અજ્ઞાનીને તો વ્યવહારે પણ વ્યવહાર સાધન નથી).
ભગવાન આત્મા આનંદનો નાથ જ્ઞ-સ્વભાવી-સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે. તેના વિરુદ્ધનો વિકાર દેખીને તે ચૈતન્યનો છે એમ ભ્રમ ન કરવો. તથા તે ચૈતન્યસ્વભાવનું સાધન છે એમ ભ્રમ ન કરવો. ચૈતન્યસ્વભાવનું સાધન તો તેનો નિરાકુળ અનુભવ કરવો તે છે. અહાહા! સ્વાનુભવનું કાર્ય એ ચૈતન્ય પરમાત્માનું સાધન છે.
પ્રશ્નઃ– વ્યવહાર સાધન કહ્યું છે ને?
ઉત્તરઃ– ભાઈ! એની સ્પષ્ટતા તો પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં કરી છે કે-‘હવે મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે.’
જુઓ, જે વ્યવહાર-મોક્ષમાર્ગ કહ્યો છે તે છે તો બંધમાર્ગ, પણ જ્યાં આત્માના આશ્રયે નિરાકુળ આનંદના અનુભવરૂપ નિશ્ચય-મોક્ષમાર્ગ-સાચો મોક્ષમાર્ગ પ્રગટયો છે ત્યાં, તેને નિમિત્ત દેખીને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે. આટલી તો સ્પષ્ટ વાત કરી છે! વ્યવહારથી-ઉપચારથી જે કહ્યું છે તે નિમિત્ત આદિની અપેક્ષાએ કહ્યું છે એમ જાણવું. નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર આવું જ લક્ષણ છે. વ્યવહારને જે સાધન કહ્યું છે એ તો ધર્મી-જ્ઞાની નિજસ્વરૂપનો જ્યારે ઉગ્ર આશ્રય લે છે ત્યારે જે રાગ છે તે ટળી જાય છે તે અપેક્ષાએ વ્યવહારથી આરોપ કરીને વ્યવહારને પરંપરા સાધન કહ્યું છે. અહીં તો એ સિદ્ધ કરવું છે કે એ રાગ આત્માનો સ્વભાવ જ નથી. જુઓ, લખ્યું છે ને કે-‘રાગાદિ ચિદ્વિકારને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે.’
રાગાદિ ચૈતન્ય જ છે એમ ન માનવું, કારણ કે ચૈતન્યની બધી અવસ્થાઓમાં વ્યાપે- રહે તેને ચૈતન્યના કહેવાય છે. જ્ઞાનદશા ચૈતન્યની પ્રત્યેક અવસ્થામાં વ્યાપે છે, માટે જ્ઞાનને ચૈતન્યનું સ્વરૂપ અને લક્ષણ કહેવાય છે. પરંતુ રાગ સર્વ અવસ્થાઓમાં વ્યાપતો નથી, માટે રાગ ચૈતન્યનું લક્ષણ નથી. અરે! અજ્ઞાનીને સમક્તિ નથી અને તેથી તે વ્રત, તપ, આદિ ક્રિયાકાંડમાં સાધન માને છે; પરંતુ ભાઈ! વીતરાગ-માર્ગમાં એ (અનીતિ) ન ચાલે. વીતરાગ- માર્ગમાં તો વીતરાગી પરિણતિથી જ ધર્મ થાય છે, રાગથી નહીં.
અહીં કહે છે કે રાગાદિ વિકારો જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી કારણ કે