સમયસાર ગાથા ૭૨ ] [ પ૩ હતા, જે ખંડરૂપ જ્ઞાનાકારો પ્રતિભાસતા હતા તે હવે જ્ઞાયકમાં દ્રષ્ટિ સ્થિર થતાં જ્ઞાન અખંડપણે પ્રત્યક્ષ ઉદય પામ્યું છે, અર્થાત્ એક જ્ઞાનમાત્ર વસ્તુ જ જ્ઞાનમાં જણાવા લાગી છે, જ્ઞાનના ભેદો નહિ. અહાહા! હું અખંડ એક જ્ઞાયકમૂર્તિ ભગવાન છું-એમ દ્રષ્ટિ થતાં, વિકાર તો દૂર રહો, મતિ-શ્રુત અવસ્થાના જ્ઞાનના ભેદો પણ બહાર રહી જાય છે, એકલો અખંડ જ્ઞાયક ભગવાન જ જણાય છે. ભાઈ! વીતરાગનો માર્ગ આવો આકરો છે, રાગથી મરી જાય ત્યારે ધ્રુવ ચૈતન્યબિંબ જણાય એવું છે. ૧૧ મી ગાથામાં આવે છે કે ત્રિકાળી ભૂતાર્થ-સત્યાર્થ દ્રવ્યસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એમાં ભેદ તૂટી જાય છે એમ અહીં કહે છે. ચૈતન્યરસનો કંદ પ્રભુ આત્મા જાજ્વલ્યમાન ચૈતન્યસૂર્ય છે. એના પર દ્રષ્ટિ કરતાં મતિ- શ્રુતાદિ જ્ઞાનના ખંડરૂપ ભેદોને તોડી પાડતું અખંડ જ્ઞાન પ્રત્યક્ષ પ્રગટ થાય છે. જ્ઞાનમાં અખંડ જ્ઞાનનો સૂર્ય પ્રત્યક્ષ જણાયો એટલે પ્રત્યક્ષ પ્રગટ થાય છે એમ કહ્યું છે. હવે કહે છે-‘ननु’ અહો! ‘इह’ આવા જ્ઞાનમાં ‘कर्तृकर्मप्रवृत्तेः’ (પરદ્રવ્યનાં) કર્તાકર્મની પ્રવૃત્તિનો ‘कथम् अवकाशः’ અવકાશ કેમ હોઈ શકે?
વસ્તુ અખંડ એકરૂપ ચૈતન્યસ્વભાવમય છે. તેમાં કોઈ એવી શક્તિ નથી જે વિકાર કરે. આવા શક્તિમાન દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતાં જ્ઞાનની વર્તમાન દશા જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવે પ્રગટ થઈ છે. અહો! આવા જ્ઞાનમાં કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે? જ્ઞાયક-સ્વરૂપ ત્રિકાળીમાં સ્વપરને પ્રકાશે એવી ત્રિકાળ એની શક્તિ છે. ત્રિકાળીને જાણે એવી એમાં શક્તિ છે. નિયમસારમાં આવે છે કે ત્રિકાળ જ્ઞાન-દર્શનનો ઉપયોગ એ ત્રિકાળને જાણે જ છે. વસ્તુનો સ્વભાવ આવો છે એની વાત છે. આ પરિણમનરૂપે (ઉપયોગ) છે એની વાત નથી. ત્રિકાળી વસ્તુને જાણવાનો સ્વભાવ ત્રિકાળ શક્તિરૂપે છે એમ વાત છે. પરિણતિરૂપે જાણે એ નહિ. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ! અહીં કહે છે કે જ્ઞાનસ્વભાવના પરિણમનમાં રાગનું કર્તાપણું અને રાગનું કર્મપણું એવો અવકાશ કેમ હોઈ શકે? સ્વભાવનો આશ્રય લઈને જે જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થયું તેમાં આખો આત્મા જણાયો, શ્રદ્ધામાં આવ્યો. તે જ્ઞાન, જે પર્યાયમાં રાગની અશુદ્ધતા છે, કે જે અશુદ્ધતાની પરિણતિ છે તેને વ્યવહારે જાણે, વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે; પરંતુ જ્ઞાની રાગનો કર્તા અને રાગ એનું કાર્ય-એવો જ્ઞાનમાં અવકાશ કયાં છે? (નથી જ). અનાદિની આવી પોતાની સર્વજ્ઞસ્વભાવી ચીજ છે. અનાદિથી સાધક જીવો છે, મિથ્યાદ્રષ્ટિ જીવો પણ અનાદિથી છે. તેમ જગતની ચીજો પણ અનાદિથી છે. અને તે સર્વને જાણનારનો વિરહ પણ કદી જગતમાં પડતો નથી. એવી જ રીતે ભગવાન સર્વજ્ઞ-દેવની પ્રતિમા પણ અનાદિ કાળથી છે. તેનો પણ કદી વિરહ હોતો નથી.