પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
લોકોને સત્ય તત્ત્વની ખબર નથી. ભાઈ! ઉપરટપકે માની લઈએ એવી આ વસ્તુ નથી. આ તો ભાવમાં એનું ભાસન થવું જોઈએ. ત્રણકાળ, ત્રણલોક અનાદિ-અનંત જ્ઞેયપણે છે તો તેનો જાણનાર કોઈ કાળે ન હોય એમ બની શકે નહિ.
ભગવાન સર્વજ્ઞદેવ જેમ ત્રિકાળ શાશ્વત છે તેમ એમનું મૂર્તિરૂપે પ્રતિબિંબ પણ જગતમાં ત્રણે કાળ શાશ્વત છે. આવી જ વસ્તુની સ્થિતિ છે. અહીં કહે છે કે જ્ઞાયકભાવનું ભાન થતાં અંદર શક્તિરૂપ જે સામર્થ્ય હતું તે પ્રગટ થયું. એ જ્ઞાનમાં રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ-એવી કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.
અરે ભાઈ! પ્રગટેલું જ્ઞાન જાણવાનું કામ કરે કે કર્તાકર્મની પ્રવૃત્તિનું કામ કરે? પરદ્રવ્યના કર્તાકર્મનો જ્ઞાનમાં અવકાશ જ નથી. પરપરિણતિને તો છોડતું એ પ્રગટ થાય છે. તો જ્ઞાનમાં એનાં કર્તાકર્મ કેવાં? (છે જ નહિ).
હવે કહે છે-‘वा’ તથા ‘पौद्गलः कर्मबन्धः’ પૌદ્ગલિક કર્મબંધ પણ ‘कथम् भवति’ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. જો જ્ઞાનમાં કર્તાકર્મની પ્રવૃત્તિને અવકાશ નથી તો કર્મબંધનો અવકાશ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.
કળશટીકાના ર૯ માં કળશમાં આવે છે કે-‘સુખ, દુઃખ આદિ વિભાવપર્યાયરૂપ પરિણમતા જીવના જે કાળે આવા અશુદ્ધ પરિણમનરૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. તેનું વિવરણ-શુદ્ધ ચેતનામાત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી અને અશુદ્ધ સંસ્કાર છુટયા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. તેથી જે કાંઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન, એક જ સ્વાદ છે.’ આવો મોક્ષનો માર્ગ કોઈ અપૂર્વ ચીજ છે, ભાઈ! સંસારનો વ્યય થઈને મોક્ષ થાય એનો આ જ ઉપાય છે. વ્યવહારથી આમ થાય અને તેમ થાય એમ લોકો વાદવિવાદમાં પડયા છે પરંતુ આમાં વાદવિવાદને અવકાશ નથી.
નિયમસારમાં પ્રાયશ્ચિત અધિકારમાં આવે છે કે-નિર્મળ દશા જે વીતરાગ પરિણતિ પ્રગટી તે પ્રાયશ્ચિત છે. પ્રાયઃ+ચિત, અર્થાત્ પ્રકૃષ્ટપણે ચિત કહેતાં જ્ઞાન તે પ્રાયશ્ચિત. એટલે ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ જે વસ્તુ છે તે પ્રાયશ્ચિતસ્વરૂપ જ છે. પરિણતિ પ્રગટી તે કાર્યનિયમ છે અને વસ્તુ જે ત્રિકાળી શુદ્ધ જ્ઞાનચેતનારૂપ છે તે કારણનિયમ છે. એટલે કે જે કાંઈ નિર્મળ પરિણતિ થાય તે પ્રકારે આખીય વસ્તુ સ્વભાવથી છે. પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે તો વસ્તુ વીતરાગસ્વરૂપ જ છે. કેવળજ્ઞાન પ્રગટ થાય તો દ્રવ્ય અખંડ જ્ઞાનસ્વરૂપ જ છે, આવા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં જેમ રાગના કર્તાકર્મની પ્રવૃત્તિને અવકાશ નથી તેમ ધ્રુવ સ્વભાવના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાન પરિણતિમાં પણ રાગના કર્તાકર્મની પ્રવૃત્તિને અવકાશ નથી. તો પછી કર્તાકર્મની પ્રવૃત્તિના અભાવમાં કર્મનું બંધન થાય એનો અવકાશ કયાં રહ્યો? (ન જ રહ્યો).