પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ પણ તે કાળે જાણતું જ્ઞાન પોતાના સ્વપરપ્રકાશક સામર્થ્ય વડે પ્રગટ થાય છે. વળી તે બળવાન છે એટલે જ્ઞાનની જ્યાં ઉગ્રતા થઈ ત્યાં રાગ-દ્વેષ ભસ્મ થઈ જાય છે. જ્ઞાનની ઉગ્રતા કર્મના આકરા વિપાકના રસને પણ ભસ્મ કરી દે છે તેથી તેને ‘અત્યંત પ્રચંડ’ કહ્યું છે.
આવો ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ! શુભરાગના સ્થૂળ વિકલ્પથી પકડાય એવું વસ્તુતત્ત્વ નથી. દ્રવ્યનું-આત્માનું સ્વરૂપ તો સૂક્ષ્મ નિર્વિકલ્પ છે, અને નિર્વિકલ્પ દ્રષ્ટિથી જ પકડાય એમ છે.
પ્રશ્નઃ– જ્ઞાનનું સ્વરૂપ તો સવિકલ્પ કહ્યું છે ને?
ઉત્તરઃ– ત્યાં સવિકલ્પ એટલે જ્ઞાન સ્વ અને પરને જાણે છે ભેદપૂર્વક સ્વ અને પરને જાણવું એમ અર્થ છે. વિકલ્પ એટલે રાગ એમ ત્યાં અર્થ નથી. જ્ઞાન તો રાગથી ભિન્ન જ છે. નિર્વિકલ્પ જ્ઞાન એટલે રાગના અવલંબરહિત જ્ઞાનથી જ વસ્તુતત્ત્વ પકડાય એમ છે. આ માર્ગ છે.
કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદ-ભાવને અને પરપરિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી; તો પછી હવે બંધ શા માટે હોય? અર્થાત્ ન હોય. જ્ઞાયકના લક્ષે અખંડ જ્ઞાયકની પરિણતિ જાગી ત્યારે ભેદરૂપ કારકોની પ્રવૃત્તિ મટી ગઈ. રાગનો હું કર્તા અને રાગ મારું કર્તવ્ય-એ પ્રવૃત્તિ મટી ગઈ. અભેદ કારકની પ્રવૃત્તિ થઈ. જ્ઞાન જ્ઞાયકને અનુભવતું પ્રગટ થયું. તો પછી ભિન્ન કારકોની પ્રવૃત્તિના અભાવમાં બંધ શા માટે હોય? ન જ હોય. લ્યો, અહીં (ગાથા) ૭૨ પૂરી થઈ.